પાટીદાર સમાજનાં લોકો પોતાના ઘરમાં પીળું પાણી રાખતા હોઈ તો બંધ કરી દેજો, ગોરધન ઝડફિયાની ટકોર
કડીના સમૂહલગ્નમાં દારૂ અને શિક્ષણ પર ભાર મૂકતા ઝડફિયા, PSI મેંદપરાના નિવેદન બાદ સમાજમાં ગરમાવો.

Gordhan Zadafia liquor warning: સુરતમાં મહિલા PSI ઉર્વીશા મેંદપરાએ પાટીદાર યુવાનોમાં વધી રહેલા દારૂના વ્યસન અંગે કરેલી ટિપ્પણી બાદ સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ કડીમાં 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના સમૂહલગ્નમાં જાહેરમાં આ મુદ્દે ભારપૂર્વક વાત કરી હતી. તેમણે યુવાનોને "પીળું પાણી" છોડી દેવા અને શિક્ષણ પર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો.
કડીમાં આયોજિત 57મા સમૂહલગ્ન પ્રસંગે સંબોધન કરતા ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, "ઘરમાં પીળું પાણી રાખતા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો. કદાચ તમને એવું લાગતું હશે કે અત્યારે 21મી સદી ચાલી રહી છે, પરંતુ જ્યારે તમારા ઘરમાં રહેલ દીકરી અથવા પત્નીને પૂછી જોજો એ પછી તેનું પરિણામ શું આવે છે." તેમણે ઉમેર્યું કે, સમાજમાં પરિવર્તન લાવવું જરૂરી છે અને જો નેતાઓ પરિવર્તન ન લાવી શકે તો તેમણે હોદ્દા પર રહેવાનો કોઈ અધિકાર નથી. ઝડફિયાએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, આજના ડિજિટલ યુગમાં શિક્ષણ વિના પ્રગતિ શક્ય નથી. તેમણે સમાજને વાડી કે ભવન બનાવવાને બદલે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું. વધુમાં, તેમણે યુવાનોને બાપદાદાઓની જમીનનું રક્ષણ કરવા અને માત્ર જરૂરિયાત હોય તો જ વેચવા, ખાસ કરીને મોજશોખ માટે વેચવાનું ટાળવા સલાહ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ અગાઉ સુરતના સરથાણા વિસ્તારમાં PSI ઉર્વીશા મેંદપરાએ પણ પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં યુવાનોમાં દારૂના વ્યસન અને સાયબર ક્રાઇમના વધતા જતા વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં પકડાયેલા 15 યુવાનોમાંથી 10 પટેલ સમાજના હોય છે, જે ખૂબ જ દુઃખદ અને વિચારવા જેવું છે. મેંદપરાએ સમાજના આગેવાનોને આ બાબતે ગંભીરતાથી વિચારવા અને યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપવા અપીલ કરી હતી.
કડીમાં યોજાયેલ સમૂહલગ્નમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહલગ્નમાં 27 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને તેમને દાતાઓ દ્વારા ફ્રિજ, ટીવી, તિજોરી સહિત 100થી વધુ વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી.
PSI મેંદપરા અને ગોરધન ઝડફિયાના આ નિવેદનો પાટીદાર સમાજમાં દારૂના વ્યસન અને યુવા પેઢીના ભવિષ્ય અંગે ગંભીર ચિંતા દર્શાવે છે. બંને નેતાઓએ સમાજને આત્મમંથન કરવા અને યોગ્ય દિશામાં આગળ વધવા પ્રેરણા આપી છે. હવે જોવાનું એ રહેશે કે સમાજ આ બાબતે કેવા પગલાં લે છે અને કેટલું પરિવર્તન લાવે છે.
આ પણ વાંચો.....




















