રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સામે આવ્યા મોટા સમાચાર, સરકારે મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો કર્યો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થુ વધાર્યું છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો કર્યો છે.
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થુ વધાર્યું છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તારીખ 01-07- 2022થી 4 ટકા અને તારીખ 01-01-2023થી 4 ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓ માટે હિતલક્ષી નિર્ણય કર્યો છે.
ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તા-01-07-2022ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તા.-01-01-2023 ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તારીખ 01-07-2022 તથા તારીખ 01-01-2023ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ આઠ ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.
તદઅનુસાર તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન-2023ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ-2023ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકટોબર-2023ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 4, 516 કરોડનું નાણાકીય ભારણ વધશે.