‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 56 લાખ 57 હજાર 219 કાર્ડધારકોની યાદી વેરિફાઈ કરવા માટે સોંપી છે

નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ અગ્રતા ધરાવતા પરિવારો રાશનકાર્ડ હેઠળ રાહતદરે અનાજ મેળવી રહ્યા છે. પરંતુ, આ કાર્ડધારકોમાંથી મોટી સંખ્યામાં કાર્ડધારકો ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેતા હોવાની વિગતો સામે આવી છે. ત્યારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 56 લાખ 57 હજાર 219 કાર્ડધારકોની યાદી વેરિફાઈ કરવા માટે સોંપી છે. ત્યારે સવાલ એ થાય કે કાર્ડ ધારક પાત્રતા સિદ્ધ નહીં કરી શકે તો NFSA રાશનકાર્ડનું શું થશે.
આ અંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી હતી કે પાત્રતા ધરાવતા કોઈ પણ લાભાર્થીનું નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ રાશનકાર્ડ રદ કરવામાં આવશે નહીં. આ પ્રક્રિયા બાદ તાલુકા કક્ષાએ મામલતદારના અધ્યક્ષસ્થાને રચવામાં આવેલા કમિટી સમક્ષ જે લાભાર્થી પાત્રતા પુરવાર કરશે તેઓનું નામ NFSA કાર્ડ ધારક તરીકે ચાલુ રાખવામાં આવશે. યોગ્ય પુરાવા રજૂ ન કરનારનું નામ NFSAમાંથી નોન-NFSAમાં લઈ જવાશે.
હાલ રાજ્યમાં 3.60 કરોડથી વધુ NFSA કાર્ડધારકો છે જેમાંથી 56.57 લાખ શંકાસ્પદ રાશન કાર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 15.66 લાખ કાર્ડધારકોની ચકાસણી પૂર્ણ થઈ છે અને પાત્ર જણાયેલા લાભાર્થીઓના કાર્ડ યથાવત રહેશે. સરકારની પાત્રતા મુજબ 2.47 એકર જમીન મર્યાદા પરંતુ ગુજરાતમાં સિંચાઈ સાધનો હોવા છતાં એક પાક લેતા કિસ્સામાં મર્યાદા 7.5 એકર . શંકાસ્પદ કાર્ડધારકોને મામલતદાર કચેરીમાં જરૂરી પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવશે. ચકાસણી બાદ પાત્ર સાબિત થયેલા લાભાર્થીઓનું નામ NFSA યાદીમાં ચાલુ રહેશે, નહીંતર Non-NFSAમાં લઈ જવામાં આવશે.
મંત્રીએ સ્પષ્ટ કર્યું કે યોગ્ય પુરાવા ધરાવતા કોઈપણનો રાશનકાર્ડ રદ નહીં થાય. ચકાસણીમાં આધાર વિસંગતિ, ઉપયોગ ન કરાયેલા કાર્ડ, ડુપ્લિકેટ નામ, ઉંમર આધારિત વિસંગતિ અને આવક-જમીન સંબંધિત માપદંડોનો સમાવેશ થાય છે.
આધાર કાર્ડની વિગતો મુજબ મૃત્યુ પામેલ હોય તેવા લોકોની સંખ્યા 1,338, છેલ્લા માસથી એક વર્ષ સુધીના રાશનકાર્ડનો એકપણ વખત ઉપયોગ ના થયો હોય તેવા સાયલન્ટ લાભાર્થી 1,32,697, છેલ્લા એક વર્ષથી રાશનકાર્ડનો એકપણ વખત ઉપયોગ ન થયો હોય તેવા સાયલન્ટ લાભાર્થી 9,76,085, ડેપ્લીકેટ નામો ધરાવતા હોય એટલે કે એક કરતા વધુ રાજ્યમાં જેના નામ ચાલતા હોય તેવા લાભાર્થી 3,894, ગુજરાત રાજ્યના અન્ય જિલ્લા સાથે ડુપ્લીકેટ નામ ધરાવતા લાભાર્થી 22,700, 100 વર્ષ કરતા વધુ ઉમર ધરાવતા લાભાર્થીઓ 17,360, 18 વર્ષથી નાની ઉમર ધરાવતા અને એક સભ્ય તરીકે રાશનકાર્ડ ધરાવકા લાભાર્થી 7,806 છે. કંપનીમાં ડાયરેકટર તરીકે નામ ધરાવતા હોય તેવા લાભાર્થી 5,496 છે. ઈન્કમટેક્ષના ડેટા પ્રમાણે 6 લાખથી વધુ આવક ધરાવતા લાભાર્થી 79,454 છે જ્યારે GSTના ડેટા પ્રમાણે 25 લાખથી વધારે ટર્નઓવર ધરાવતા લાભાર્થી 2,002 છે.





















