રાજ્યમાં આજથી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, જાણો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે
ગત વર્ષે પણ બે રાઉન્ડ બાદ હજારો બેઠકો ખાલી રહી હતી ત્યારે આ વર્ષે પણ ધો.1માં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયાના 15 દિવસ બાદ પ્રક્રિયા શરૂ થતા બેઠકો ખાલી રહે તેવી શક્યતા છે.
વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે આજથી રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. પાંચ જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે અને છથી 10 જુલાઈ સુધી ફોર્મ ચકાસણી થશે. 15 જુલાઈથી સ્કૂલની ફાળવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યની દસ હજારથી વધુ ખાનગી સ્કૂલોમાં RTE હેઠળ એડમિશન આપવામાં આવશે.
શહેરી વિસ્તારમાં આવક મર્યાદા દોઢ લાખ. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ 20 હજારની આવક મર્યાદા રાખવામાં આવી છે. બે રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે.
અમદાવાદની ડીઈઓ કચેરીના વહિવટી અધિકારીઓએ વાલીઓ માટે મહત્વની સૂચના આપવામાં આવી છે. જેમાં વાલીઓ જે ફોર્મ ભરે અને ડોક્યુમેંટ સબમિટ કરે તેની સારી રીતે ચકાસણી કરી લે અને પછી જ ફોર્મ સબમિટ કરે. પાછળથી ફોર્મમાં કોઈ સુધારો થઈ શકશે નહી.
ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ લેવાની તક મળશે. આ વર્ષે અમદાવાદમાં 14 હજાર જેટલા વિદ્યાર્થીઓને RTE હેઠળ ખાનગી સ્કૂલોમાં એડમિશન આપવામાં આવશે.
RTE હેઠળ નબળા અને વંચિત બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જેમાં અનાથ બાળ, સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓ, બાળગૃહના વિદ્યાર્થીઓ, બાળમજુર કે સ્થળાંતરિત મજૂરોના બાળકો, મંદ બુદ્ધિ કે સરેબલ પાલ્સી ધરાવતા બાળકો, સારવાર લેતા બાળકો, શહીદ થયેલા લશ્કરી કે પોલીસદળના જવાનોના બાળકો સહિત જુદી જુદી 13 કેટેગરીના બાળકોને પ્રવેશમાં અગ્રમિતા અપાશે.
નબળા અને વંચિત જુથના પરિવારો સહિત આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા કુટુંબના બાળકોને આરટીઇ હેઠળ ખાનગી સ્કુલમાં ફીમાં શિક્ષણ આપવાની જોગવાઇ છે.
ગત વર્ષે પણ બે રાઉન્ડ બાદ હજારો બેઠકો ખાલી રહી હતી ત્યારે આ વર્ષે પણ ધો.1માં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયાના 15 દિવસ બાદ પ્રક્રિયા શરૂ થતા બેઠકો ખાલી રહે તેવી શક્યતા છે.
આ વર્ષે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડીઈઓ-ડીપીઓને પરિપત્ર કરીને આરટીઈના પ્રવેશ નિયમો અંતર્ગત ખાસ આદેશ કરવામા આવ્યો છે કે જે પણ વાલીનું ફોર્મ રિજેક્ટ થાય તે માટે ચોક્કસ કારણ આપવાનુ રહેશે.
રીજેક્ટ ફોર્મ સામે અન્ય કારણોસર તેવુ લખી શકાશે નહી. ઉપરાંત દરેક ડીઈઓ-ડીપીઓને તાલુકા કક્ષાએ હેલ્પ ડેસ્ક રાખવા તેમજ જીલ્લા કક્ષાએ હેલ્પ સેન્ટર કે હેલ્પલાઈન નંબર શરૂ કરવા પણ આદેશ કરવામા આવ્યો છે.રાજ્યની 10 હજારથી વધુ ખાનગી સ્કૂલોમાં એખ લાખથી વધુ બેઠકો માટે આરટીઈ પ્રવેશ પ્રક્રિયા થશે.