Gujarat Rain Update:કચ્છમાં ધોધમાર વરસાદ, પુલ તૂટ્યો, સ્કૂલોમાં રજા જાહેર, અનેક રસ્તા બંધ
Gujarat Rain Update: કચ્છમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તા જળમગ્ન બન્યા છે, રાપરના સુવઈ અને ગવરીપરને જોડતો પૂલ તૂટી પડ્યો છે. જેના કારણએ સુવઈ અને ગવરીપરનો સંપર્ક તૂટ્યો છે.

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. 4 જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને જોતો શાળા કોલેજમાં રજા જાહેર કરાઇ છે. આજે બનાસકાંઠા અને કચ્છમાં સૌથી વધુ વરસાદ નોંધાય છે. કચ્છમાં 12 ઇંચ અને બનાસકાંઠામાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે. કચ્છમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તા બંધ થઇ જતા અનેક ગામડા સંપર્ક વિહોણા બન્યા છે.
સ્કૂલો, આંગણવાડીમાં રજા જાહેર
ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં 12.48 ઈંચ વરસાદ વરસ્યો છે. ભુજ, ભચાઉ અને લખપતમાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો, ધોધમાર વરસાદથી રાપરમાં નદી-નાળા છલકાયા છે. રાપર તાલુકાનો સુવઈ ડેમ છલોછલ થયો છે.ભારે વરસાદના પગલે કચ્છમાં આજે સ્કૂલો, આંગણવાડીમાં રજા જાહેર કરાઇ છે.
અનેક માર્ગો બંધ
કચ્છના વાગડમાં ધોધમાર વરસાદના કારણે રાપરના સુવઈ અને ગવરીપરને જોડતો પૂલ તૂટી પડ્યો છે. જેના કારણએ સુવઈ અને ગવરીપરનો સંપર્ક તૂટ્યો છે. ધોધમાર વરસાદથી વાગડ પંથકમાં પણ અનેક માર્ગો બંધ થયા છે. હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.
મૂશળધાર વરસાદથી કચ્છમાં જળશયો ઓવરફ્લો થયા છે. ખડીરના રતનપર ગામે મંડાર વારી નદીમાં પાણીની ભારે આવક થતાં મંડાર વારી નદીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં 5 ભેંસ તણાઈ હતી.સ્થાનિકોએ જીવ જોખમમાં મુકી ભેંસને બહાર કાઢી હતી.કચ્છના વાગડમાં સારા વરસાદથી જળાશયોમાં પાણીની આવક થઇ છે. રાપરમાં ભારે વરસાદથી નદીનું જળસ્તર વધ્યું છે. હમીરપર માલાળ મોટી નદીમાં પાણીની ભરપૂર આવક થઇ છે. જેનાથી ખેડૂતોમાં ખુશી છવાઇ ગઇ છે.
ગાંધીધામમાં પોણા ચાર ઈંચ વરસાદ
કચ્છના ગાંધીધામમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી કચ્છના ગાંધીધામમાં પાણી ભરાયા છે. ગાંધીધામના રેલવે સ્ટેશન અને ચાવલા ચોકમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. કચ્છના રાપરમાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. રાપર-ભચાઉ માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. રાપરના આડેસર ગામમાં પણ પાણી ફરી વળ્યા છે.
ભારે વરસાદના કારણે યક્ષ મેળો મુલતવી રખાયો
કચ્છમાં ભારે વરસાદના કારણે યક્ષ મેળો મુલતવી રખાયો છે. ભારે વરસાદના કારણે મેળામાં મંડપ અને સ્ટોલને ભારે નુકસાન થયું છે. મેળાના ગ્રાઉન્ડ પર પણ પાણી ભરાઈ ચુક્યા છે. યજ્ઞ મેળો મીની તરણેતર સમા છે.
ભુજમાં જળ બંબાકાર
ભારે વરસાદથી કચ્છના ભુજમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભુજના બસ સ્ટેશન પાણી ભરાતા પેસેન્જરની મુશ્કેલી વધી છે. અહીં આખો રોડ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો અટવાયા છે.બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાતા એસટી બસ સેવા પર અસર થઇ છે.
રાપરમાં જનજીવન પ્રભાવિત
મેઘરાજાની તોફાની બેટિંગથી કચ્છના રાપરમાં જનજીવન પ્રભાવિત થયું છે. રાપરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. શંકરવાડી, તકિયાવાસ, પોલીસ લાઈન વિસ્તારમાં પાણી ભરાયા છે.મામલતદાર ક્વાર્ટર, તિરુપતિનગર, ગેલીવાડીમાં ભરાયા પાણી છે. સલારીનાકા, ખોડીયાર મંદિર રોડ, દુધડેરી વિસ્તારમાં પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યાં છે.કચ્છના વાગડમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. રાપરના પલાસવામાં કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ઘૂસતા પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.





















