Gujarat Farmers: રવિવારે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોનો પાક બરબાદ કર્યો, વ્યાપક નુકસાન
રાજ્યમાં રવિવારે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને બરબાદ કરી દીધા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્યાંક કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોના ઘઉં,ચણા, કપાસ, જીરૂ અને ઘાસચારાના પાકને વ્યાપક નુકસાન
અમદાવાદ: રાજ્યમાં રવિવારે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને બરબાદ કરી દીધા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્યાંક કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોના ઘઉં,ચણા, કપાસ, જીરૂ અને ઘાસચારાના પાકને વ્યાપક નુકસાન થયું છે. કપાસ, એરંડા, મકાઈ અને સોયાબીનના પાકને પણ નુકસાન થયું છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં માવઠાના કારણે શેરડી, ડાંગર અને શાકભાજીના પાકોને નુકસાન થયું છે.
જ્યારે ઉત્તર ગુજરાતમાં પપૈયાનો પાક ભારે પવનના કારણે જમીનદોસ્ત થઈ ગયો છે. સાથોસાથ એરંડા અને વરિયાળીના પાકનો પણ સોથ વળી ગયો છે. જીરૂ, ઈસબગુલ જેવા પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોનો દાવો છે કે મોંઘાદાટ ભાવે બિયારણ ખરીદી પાકનું વાવેતર કર્યું હતું. કેટલોક પાક તો તૈયાર થવાને આરે પહોંચ્યો હતો ત્યાં જ કમોસમી વરસાદ વરસતા આ પાક હવે નિષ્ફળ થવાની ભીતિ છે.
ઉત્તર ગુજરાતમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે. બનાસકાંઠાના પાલનપુર પાસેના મલાણા ગામમાં એરંડાનો પાક તૈયાર હતો. સારો પાક હોવાથી ખેડૂતો પણ રાજી હતા ત્યાં તો કમોસમી વરસાદ વરસતા પાક નિષ્ફળ ગયો છે. એરંડા જમીનદોસ્ત થઈ ગયા છે. આવી જ સ્થિતિ લાખણી તાલુકાના ખેડૂતોની થઈ છે. અહીં પણ એરંડાનો પાક પડી જતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. સરહદીય પંથક થરાદમાં પણ એરંડાના પાકને ભારે નુકસાન થયું છે. અહીં ભારે પવન સાથે વરસાદ વરસતા એરંડાનો ઉભો પાક મૂળમાંથી જ ઢળી પડ્યો હતો. ન માત્ર એરંડો બનાસકાંઠામાં કપાસ, વરિયાળી, બટાટા અને પપૈયા સહિતના પાકને પણ નુકસાન થયું છે.
પાલનપુર પાસેના વાઘરોલ ગામે ખેડૂતોએ પપૈયાના પાકનું વાવેતર કર્યું હતું. જેમાં 15 લાખનો ખર્ચ કર્યો હતો. ખેડૂતોને આશા હતી કે, 40 લાખનું વળતર મળશે. જો કે, તેમની આશા પર માવઠાએ પાણી ફેરવી દીધું છે. પપૈયાના છોડ જમીનદોસ્ત થતાં હવે ખર્ચ પણ નીકળી શકે તેમ નથી.
સૌરાષ્ટ અને કચ્છમાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. કમોસમી વરસાદના કારણે રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા, લોધિકા સહિતના તાલુકામાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. આ વરસાદથી ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.