ગુજરાતમાં દારુબંધી અંગે કૉંગ્રેસના ટોચના નેતાએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'સમય સાથે એમા પણ આવશે બદલાવ'
ગુજરાતમાં નેતાઓ દારૂબંધીને લઈ અથવા તો કેટલાક નેતાઓએ દારૂબંધી હટાવવાનાં પક્ષમાં નિવેદનો આપી ચૂક્યાં છે.
અમદાવાદ: ગુજરાતમાં નેતાઓ દારૂબંધીને લઈ અથવા તો કેટલાક નેતાઓએ દારૂબંધી હટાવવાનાં પક્ષમાં નિવેદનો આપી ચૂક્યાં છે. આજે ગુજરાત કોંગ્રેસનાં ટોચ નેતા ભરતસિંહ સોલંકી દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. અમદાવાદમાં યોજાનારી આર.જી પ્રીમિયર લીગના ઉદ્ધાટન સમયે ભરતસિંહે આડકતરી રીતે અમારી સરકાર આવે તો દારૂબંધી હટાવવાનો ઇશારો કર્યો હતો.
કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા કહ્યું કે, ઠંડીમાં જમવાની વ્યવસ્થા તો અમે કરી છે પરંતુ અન્ય વ્યવસ્થા થઇ શકે તેમ નથી. ઠંડી બહું છે પણ ગુજરાતમાં હાલ મનાઇ છે માટે વ્યવસ્થા થઇ શકે એમ નથી. જો કે તેમણે આડકતરો ઇશારો કરતા જણાવ્યું કે, સમય સાથે બદલાવ આવશે. દારૂબંધીમાં પણ બદલાવ આવી શકે છે. જેના પગલે આડકતરી રીતે કોંગ્રેસ સરકાર આવે તો દારૂબંધી હટી શકે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે, હાલમાં ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ કેટલી બંધી છે તે તો સૌ કોઇ જાણે છે. ગુજરાતમાં બિનકાયદેસર રીતે જોવે તેટલો દારૂ મળે છે.
ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, જો દારૂ કાયદેસર રીતે વેચાતો હોત તો સરકારને ટેક્ષની પણ આવક થાત. જો કે હાલ તો ભાજપના મળતીયાઓ જ દારૂ વેચીને આર્થિક લાભ મેળવી રહ્યા છે. ભરતસિંહે કહ્યું કે, ઈન્દિરાજી કહેતા કે ધનાઢય લોકો દારૂ પીવે તો ચાલે પણ સામાન્ય માણસ દારૂ ન પી શકે. જો કે ગુજરાતની મહિલાઓ નિર્ણય કરે તો દારૂબંધી હટાવી શકાય તેમ છે. દારૂબંધી અંગે 7 કરોડ ગુજરાતીઓમાં મારા એકલાનો મત નિર્ણાયક નથી. પણ દારૂબંધી વચ્ચે દારૂ વેચાય છે તે સૌ કોઇ જાણે છે.