આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી: બિહાર SIR વિવાદમાં સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયાએ એક મોટો રાજકીય અને કાનૂની વિવાદ ઊભો કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે થયેલી સુનાવણીમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે.

Aadhaar not proof of citizenship: બિહારમાં મતદાર યાદી સુધારણા (SIR)ને લઈને ચાલી રહેલા વિવાદની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે આધાર કાર્ડને નાગરિકતાના પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં, અને તેની ચકાસણી કરવી જરૂરી છે. કોર્ટમાં અરજદારોએ દલીલ કરી કે SIR પ્રક્રિયામાં મોટી ગડબડ છે, જેના કારણે લાખો લોકોના નામ ગેરકાયદેસર રીતે બાકાત રાખવામાં આવી રહ્યા છે. બીજી તરફ, ચૂંટણી પંચે આ આરોપોને નકારી કાઢીને કહ્યું કે આ માત્ર એક ડ્રાફ્ટ પ્રક્રિયા છે અને નાની ભૂલો સુધારી શકાય છે.
બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા ચાલી રહેલી મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારોના વકીલ કપિલ સિબ્બલે દાવો કર્યો કે લાખો લોકોના નામ ખોટી રીતે યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે આધાર કાર્ડને નાગરિકતાના અંતિમ પુરાવા તરીકે ગણી શકાય નહીં. ચૂંટણી પંચે કહ્યું કે આ ફક્ત એક ડ્રાફ્ટ પ્રક્રિયા છે અને તેમાં નાની ભૂલો હોઈ શકે છે. કોર્ટે અરજદારોને તેમના દાવા પાછળની વાસ્તવિકતા સાબિત કરવા કહ્યું, કારણ કે ચૂંટણી પંચના ડેટા મુજબ કરોડો મતદારો ગુમ હોવાના દાવાને સમર્થન મળતું નથી.
સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલા બાગચીએ આ કેસની સુનાવણી દરમિયાન કેટલાક મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો. જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટપણે કહ્યું કે, "ચૂંટણી પંચનું કહેવું સાચું છે કે આધારને અંતિમ પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં, તેની ચકાસણી કરવી જરૂરી છે." તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે અન્ય દસ્તાવેજો પણ જરૂરી છે.
અરજદારોની દલીલો
અરજદારો વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી કે SIR પ્રક્રિયામાં મોટી ગેરરીતિઓ થઈ રહી છે. તેમણે કહ્યું કે એક નાના મતવિસ્તારમાં 12 જીવંત લોકોને મૃત બતાવવામાં આવ્યા છે. સિબ્બલે દાવો કર્યો કે 65 લાખ નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે અને આ સામૂહિક બાકાત છે. તેમણે એ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે, જે લોકો પાસે જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ કે મેટ્રિક્યુલેશન પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો નથી, તેઓ કેવી રીતે પોતાની નાગરિકતા સાબિત કરશે.
ચૂંટણી પંચનો બચાવ
ચૂંટણી પંચ વતી વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ આ આરોપોનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે આ માત્ર એક ડ્રાફ્ટ રોલ છે અને આટલી મોટી પ્રક્રિયામાં નાની ભૂલો થઈ શકે છે, જેને સુધારી શકાય છે. તેમણે કહ્યું કે અરજદારોના દાવા અતિશયોક્તિપૂર્ણ છે અને 7.9 કરોડ મતદારોમાંથી 7.24 કરોડ લોકોએ જવાબ આપ્યો છે, જે દર્શાવે છે કે કરોડો મતદારો ગુમ હોવાનો દાવો ખોટો છે.
વ્હીસલબ્લોઅરના ખુલાસા
વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે વ્હીસલબ્લોઅર દ્વારા તેમને BLO દ્વારા તૈયાર કરાયેલી એક યાદી મળી છે. આ યાદીમાં ઘણા મતદારોને કોઈ કારણ વગર 'ભલામણ કરેલ નથી' તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ પાસે માહિતી હોવા છતાં તે કોર્ટને જણાવી રહ્યું નથી કે કયા આધારે નામો બાકાત રાખવામાં આવી રહ્યા છે.





















