અમદાવાદ વિમાન દુર્ઘટના: 'જ્યારે હું ઉઠ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહોના ઢગલા હતા', બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશે વર્ણવી ભયાનક આપવીતી
સીટ-૧૧A પરથી મળેલા બ્રિટિશ નાગરિકે કહ્યું, '૩૦ સેકન્ડમાં બધું જ ખતમ થઈ ગયું'; રાજા ચાર્લ્સે શોક વ્યક્ત કર્યો, AAIB તપાસ કરશે.

Ahmedabad plane crash survivor story: આજે બપોરે અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ભયાનક વિમાન દુર્ઘટનામાં મોટાભાગના મુસાફરોએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા છે, ત્યારે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાંથી એક વ્યક્તિ ચમત્કારિક રીતે બચી ગઈ છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, પોલીસને સીટ-૧૧A પરથી એક જીવિત વ્યક્તિ મળી આવ્યો છે. આ વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત ગંભીર છે.
બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશની આપવીતી:
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, ૪૦ વર્ષીય બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ આ ભયાનક અકસ્માતમાંથી બચી ગયા છે. તેમણે પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું કે, "ટેકઓફ થયાના ૩૦ સેકન્ડ પછી, જોરદાર અવાજ આવ્યો અને પછી વિમાન ક્રેશ થયું. આ બધું ખૂબ જ ઝડપથી થયું. જ્યારે હું જાગ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહો વિખરાયેલા હતા. હું ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો. વિમાનના ટુકડા મારી આસપાસ વિખરાયેલા હતા. કોઈએ મને પકડીને એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયો."
વિશ્વાસ કુમાર રમેશ થોડા દિવસો માટે પોતાના પરિવારને મળવા ભારત આવ્યા હતા અને પોતાના ૪૫ વર્ષીય ભાઈ અજય કુમાર રમેશ સાથે બ્રિટન પાછા ફરી રહ્યા હતા. વિશ્વાસે કહ્યું કે તેઓ ૨૦ વર્ષથી લંડનમાં રહે છે, જ્યાં તેમની પત્ની અને બાળકો પણ રહે છે.
આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા અને તપાસ:
આ દુર્ઘટના પર બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે તેઓ અને રાણી કેમિલા અમદાવાદમાં બનેલી આ ભયાનક ઘટનાથી આઘાત પામ્યા છે.
Speaking to ANI on a phone call, Ahmedabad Police Commissioner GS Malik says, "The police found one survivor in seat 11A. One survivor has been found in the hospital and is under treatment. Cannot say anything about the number of deaths yet. The death toll may increase as the… pic.twitter.com/MZp1ngYgC6
— ANI (@ANI) June 12, 2025
આ અકસ્માતની તપાસ હવે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) કરશે. સમાચાર એજન્સી PTI ના અહેવાલ મુજબ, AAIB ના ડિરેક્ટર જનરલ અને એજન્સીના તપાસ ડિરેક્ટર સહિત અન્ય અધિકારીઓ અમદાવાદ જવા રવાના થયા છે. વિમાન નિર્માતા કંપની બોઇંગે પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે શરૂઆતના અહેવાલોથી વાકેફ છીએ અને અમે વધુ માહિતી એકત્રિત કરવાનું કામ કરી રહ્યા છીએ."
હાલ, મૃત્યુઆંક વિશે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી જાનહાનિ વધવાની આશંકા છે.





















