(Source: ECI/ABP News/ABP Majha)
Afghanistan Situations: તાલિબાનના કબજા વચ્ચે કાબુલથી 129 મુસાફરોને લઈ નવી દિલ્હી પહોંચ્યું એર ઈન્ડિયાનું વિમાન
અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે મોકલવામાં આવેલુ એર ઈન્ડિયાનું વિમાન 129 મુસાફરોને લઈ રવિવારે સાંજે દિલ્હી પરત ફર્યું છે.
અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે મોકલવામાં આવેલુ એર ઈન્ડિયાનું વિમાન 129 મુસાફરોને લઈ રવિવારે સાંજે દિલ્હી પરત ફર્યું છે. એર ઈન્ડિયાનું વિમાન AI244 અફઘાનિસ્તાનથી એવા સમયે મુસાફરોને લઈ આવ્યું છે જ્યારે ત્યાં કાબુલને છોડી મોટાભાગના વિસ્તાર પર તાલિબાનનો કબજો છે.
એર ઈન્ડિયાના અધિકારીઓએ કહ્યું કે એરલાઈનની દિલ્હી-કાબુલ-દિલ્હી ઉડાણ રદ્દ કરવાની અત્યાર સુધી કોઈ યોજના નથી અને આ સોમવારે પણ ચાલવાની છે. અત્યારે એર ઇન્ડિયા માત્ર ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે એરલાઇને રવિવારે બપોરે લગભગ 40 મુસાફરો સાથે દિલ્હી-કાબુલ ફ્લાઇટ (AI-243) ચલાવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય સમય અનુસાર આશરે એક વાગ્યા નજીક એઆઈ-243 ઉડાણ દિલ્હીથી રવાના થઈ અને કાબુલ હવાઈ અડ્ડાની આસપાસ આકાશમાં આશરે એક કલાક સુધી ચક્કર લગાવવા પડ્યા હતા કારણ કે ઉતરવા માટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) પાસેથી પરવાનગી નહોતી મળી.
તેમણે કહ્યું કે તે સ્પષ્ટ નથી કે AI-243 ને લેન્ડિંગ માટે પરવાનગી મેળવવામાં વિલંબનું કારણ શું હતું. 129 મુસાફરો (ભારતીય સમય) સાથે પરત ફલાઇટ AI-244 કાબુલ એરપોર્ટથી સાંજે 5.35 વાગ્યે રવાના થઈ. તેમણે કહ્યું કે એરલાઈન્સ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને જરૂર પડ્યે યોગ્ય પગલાં લેશે.
અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ
અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ આવ્યું છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અસરફ ગનીએ રાજીનામુંઆપ્યું છે. તાલિબાન કમાન્ડર મુલ્લા અબ્દુલ ગની બરારના દોહાથી કાબૂલ પહોંચવાના સમાચાર સામે આવ્યા છે. તેઓ અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ હોઈ શકે છે.
રવિવારે તાલિબાન કાબુલમાં પ્રવેશ્યું કે તરત જ અફઘાન સરકાર તેમની સાથે સમાધાન કરવા સંમત થઈ. અફઘાનિસ્તાનના કાર્યકારી ગૃહપ્રધાન અબ્દુલ સત્તાર મિરજકવાલે જણાવ્યું હતું કે તાલિબાન કાબુલ પર હુમલો ન કરવા સંમત થયા છે. તેઓ સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ ઇચ્છે છે અને તે આ માટે રાજી થઈ ગયા છે. નાગરિકોને તેમની સલામતી વિશે નિશ્ચિત રહે. તાલિબાને એક નિવેદન પણ જાહેર કરીને કહ્યું છે કે તે નાગરિકોની સલામતીની બાંયધરી આપે છે.
તાલિબાને કાબુલની બહરામ જેલ પછી પુલ-એ-ચરખી જેલને પણ તોડી દીધું છે અને આશરે 5 હજાર કેદીઓને છોડાવી દીધા છે. પુલ-એ-ચરખી અફઘાનિસ્તાનની સૌથી મોટી જેલ છે. અહી મોટેભાગે તાલિબાનના લડાકુઓ બંધ હતા
તાલિબાને કાબુલના ચાર બહારના જિલ્લાઓમાં કબજો કરી લીધો છે. સારોબી, બગરામ, પગમાન અને કારબાગ. જોકે તાલિબાને પોતાના લડાકુઓને કાબુલની બહારના ગેટ પર રોકાવા માટે કહ્યુ હતું. કાબુલના નાગરીકો જણાવી રહ્યા છે કે કાબુલમાં લોકો પોતાના ઘરો પર તાલિબાનના સફેદ ધ્વજ લગાવી રહ્યા છે.