(Source: ECI/ABP News/ABP Majha)
અનિલ દેશમુખના રાજીનામાં અંગે શરદ પવારે શું આપ્યું મોટું નિવેદન, જાણો
એન્ટિલિયા કેસમાં ફિલ્મી કહાની જેવા ટ્વિસ્ટ સામે આવી રહ્યા છે. આજે સરકારમાં સામેલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે પત્રકારી પરિષદ યોજી હતી. શરદ પવારે ગૃહ મંત્રી અનિલ દેશમુખનો અને સાથે સાથે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેનો પણ બચાવ કર્યો હતો.
નવી દિલ્હી: મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના લેટર બોંબ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એન્ટિલિયા કેસમાં ફિલ્મી કહાની જેવા ટ્વિસ્ટ સામે આવી રહ્યા છે. આજે સરકારમાં સામેલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે પત્રકારી પરિષદ યોજી હતી. શરદ પવારે ગૃહ મંત્રી અનિલ દેશમુખનો અને સાથે સાથે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેનો પણ બચાવ કર્યો હતો. શરદ પવારે કહ્યુ હતુ કે, ગૃહમંત્રી પર લાગેલા આરોપ ગંભીર છે પરંતુ તેમના રાજીનામા અંગે હાલમાં કોઈ નિર્ણય લેવાયો નથી.આ અંગે આવતીકાલ સુધીમાં નિર્ણય લેવામાં આવશે.
શરદ પવારે કહ્યુ હતુ કે, પત્રના માધ્યમથી ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર ખોટા આરોપ લગાવાયા છે. આ પત્રમાં પરમબીર સિંહની સહી પણ નથી. જોકે પત્રમાં લગાવાયેલા આરોપ ગંભીર છે પણ તેનો કોઈ પૂરાવો નથી. સચિન વાજેની નિયુક્ત અંગેના સવાલ પર પવારે કહ્યુ હતુ કે, વાજેની નિમણૂક નથી ગૃહ મંત્રીએ કરી કે નથી મુખ્યમંત્રીએ કરી.આ નિર્ણય પરમબીર સિંહનો પોતાનો હતો.
પરમબીર પર હુમલો કરતા પવારે કહ્યુ હતુ કે, તેમને મુંબઈના પોલિસ કમિશનર તરીકે હટાવાયા બાદ તેમણે પત્ર લખ્યો છે.આ પત્ર તેમણે પદ પરથી હટાવી દેવાયા બાદ જ કેમ લખ્યો? તેમણે પત્રમાં આરોપ તો લગાવ્યા છે પણ તેના કોઈ પૂરાવા નથી.
શું છે પરમબીર સિંહના આરોપ ?
પરમબીર સિંહે આરોપ લગાવ્યો છે કે અનિલ દેશમુખ તરફથી દબાણ હતું કે તેમને 100 કરોડ રૂપિયા દર મહિને જોઈએ. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે 100 કરોડ રૂપિયાનો ટાર્ગેટ સચિન વાઝેનો આપવામાં આવ્યો હતો.
આ સાથે જ પરમબીર સિંહે લખ્યું કે આ ટાર્ગેટને પૂરો કરવા માટે મુંબઈના બાર, પબ અને રેસ્ટોરન્ટ પાસેથી રૂપિયા વસૂલવા કહેવામાં આવ્યું હતું. પત્ર મુજબ આ ટાર્ગેટ પર સચિન વાઝેએ કહ્યું હતું કે તેઓ 40 કરોડ પૂરા કરી શકે છે પરંતુ 100 કરોડ ખૂબ જ વધારે છે. પરમબીર સિંહે દાવો કર્યો છે કે 100 કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવા અનિલ દેશમુખે સચિન વાઝેને બીજા વિકલ્પો પર વિચાર કરવા કહ્યું હતું.