Amritpal Singh : આખરે અમૃતપાલ આવ્યો ઘુંટણીયે, પોલીસ સામે મુકી આ શરતો
Amritpal Singh : આખરે અમૃતપાલ આવ્યો ઘુંટણીયે, પોલીસ સામે મુકી આ શરતો
Amritpal Singh Arrest Operation: ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહને ઝડપી પાડવા માટે પંજાબ પોલીસ સતત ઓપરેશન ચલાવી રહી છે. તો બીજી બાજુ અમૃતપાલ છેલ્લા કેટલાક દિવસથી છુપાઈને આમથી તેમ સંતાતો ફરે છે. પરંતુ હવે અમૃતપાલ ઢીલો પડ્યો છે અને પોલીસને શરણે થવા માંગતો હોવાનું લાગી રહ્યું છે. અમૃતપાલ સિંહે પોલીસ સમક્ષ ત્રણ શરતો મૂકી છે. વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહે કહ્યું છે કે, તેની ધરપકડને આત્મસમર્પણ તરીકે દર્શાવવામાં આવે.
આ ઉપરાંત અમૃતપાલ સિંહની પાછળ પડેલી પોલીસ હજી સુધી તેને પકડી ના શકતા પંજાબ પોલીસની ચારેકોર થૂ થૂ થઈ રહી છે. જેને લઈને પંજાબ પોલીસે એક એસએસપી સહિત 6 પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક ધાર્મિક નેતાઓ પોલીસ અને અમૃતપાલ વચ્ચે વચેટિયા તરીકે કામ કરી રહ્યા છે. અમૃતપાલ દમદમા સાહિબમાં પણ આત્મસમર્પણ કરી શકે છે જ્યાં અકાલ તખ્તના જથેદાર પણ જઈ શકે છે.
જાહેર છે કે, પંજાબ પોલીસે 18 માર્ચે અમૃતપાલ સિંહ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારબાદ તે ભાગવામાં સફળ રહ્યો હતો. આ પછી અમૃતપાલ સિંહ હરિયાણાના કુરુક્ષેત્રમાં હોવાના સમાચાર મળ્યા હતા. ત્યાર બાદ તે ઉત્તર પ્રદેશ અને દિલ્હી ભાગી ગયો હોવાના અહેવાલ સામે આવ્યા હતાં. હવે ફરી એકવાર અમૃતપાલ સિંહ પંજાબમાં હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમૃતપાલ તેના સહયોગી સાથે ઉત્તરાખંડ નંબરના વાહન દ્વારા મંગળવારે સાંજે પંજાબના ફગવાડા પહોંચ્યો હોવાનું કહેવાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસ અમૃતપાલની આસપાસ જ છે પરંતુ તેને પકડી શકી નથી. અમૃતપાલ ફરાર થયો ત્યારથી પંજાબ પોલીસ હાઈ એલર્ટ પર છે.
જોકે હવે અમૃતપાલ સામે ચાલીને સરેન્ડર કરવા માંગે છે. જોકે આ માટે તેણે પોલીસ સામે ત્રણ શરતો મુકી છે. અમૃતપાલનું કહેવું છે કે, પહેલી એ કે તેની ધરપકડને આત્મસમર્પણ તરીકે દર્શાવવામાં આવે. બીજી શરત એ છે કે, તેને પંજાબની જેલમાં જ રાખવામાં આવે અને ત્રીજી શરત એ છે કે, તેને જેલમાં કે પોલીસ કસ્ટડીમાં માર ના મારવામાં આવે.
અમૃતપાલ સિંહ પર શું છે આરોપ?
અમૃતપાલ અને તેના સાથીઓએ અમૃતસર નજીકના અજનાલા પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરાયેલ વ્યક્તિને મુક્ત કરવાની માંગણી કરી હતી. આ ઘટનાના લગભગ ત્રણ અઠવાડિયા બાદ 18 માર્ચે, પોલીસે તેની અને તેના ખાલિસ્તાન તરફી સંગઠન 'વારિસ પંજાબ દે'ના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી. અમૃતપાલ અને તેના સહયોગીઓ સામે અસંતુલનને પ્રોત્સાહન આપવા, ગેરકાયદેસર હથિયાર રાખવા, હત્યાનો પ્રયાસ, પોલીસકર્મીઓ પર હુમલો અને જાહેર સેવકોને તેમની ફરજો નિભાવવામાં અવરોધ કરવા સંબંધિત અનેક ગુનાહિત આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.
જલંધરમાં SSP સહિત 6 અધિકારીઓ પર આકરી કાર્યવાહી
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ સામેની કાર્યવાહી વચ્ચે પંજાબ સરકારે આજે જલંધર એસએસપી અને જિલ્લાના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી કરી હતી. સરકારે જલંધરના SSP સ્વર્ણદીપ સિંહની બદલી કરી નાખવામાં આવી છે અને તેમની જગ્યાએ મુખવિંદર સિંહને તાત્કાલિક અસરથી નિયુક્ત કર્યા છે. આ ટ્રાન્સફરને અમૃતપાલ સિંહ મામલે હાથ લાગેલી નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. કારણ કે મોટાભાગની ક્રેકડાઉન જલંધર ગ્રામીણ વિસ્તારમાં થઈ હતી. નવ પોલીસ અધિકારીઓમાંથી છને જલંધરમાંથી ખસેડવામાં આવ્યા છે.