Article 370 Verdict: કલમ 370 હટાવવાના સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટ આજે આપશે ચુકાદો, જમ્મુ કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા
Article 370 Verdict:જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અંગેના નિર્ણય પહેલા જ ઘાટીમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.
Article 370 Verdict: આજે કલમ 370 હટાવ્યાના ચાર વર્ષ પછી પણ જમ્મુ-કાશ્મીરને લઇને સવાલ અટક્યા નથી. 2019માં કેન્દ્ર સરકારે બંધારણમાં સુધારો કરીને જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યના દરજ્જામાંથી હટાવી દીધું હતું. આ સાથે જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. 5 સપ્ટેમ્બરે સુનાવણી પૂર્ણ થઈ હતી. આજે સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચ આ અંગે પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે. 2019માં કેન્દ્રનો નિર્ણય યોગ્ય હતો કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે.
#WATCH | J&K: Security heightened in Srinagar ahead of the Supreme Court's verdict on the batch of petitions challenging the abrogation of Article 370 in Jammu and Kashmir.
— ANI (@ANI) December 11, 2023
(Visuals from Gupkar Road in Srinagar) pic.twitter.com/HsNbJOOv3W
બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અંગેના નિર્ણય પહેલા જ ઘાટીમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. બે દિવસ પહેલા જ પોલીસે તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા દળોની તૈનાતી વધારી દીધી છે. રસ્તાઓથી લઈને ઈન્ટરનેટ સુધી કડક તકેદારી રાખવામાં આવી રહી છે. ભડકાઉ પોસ્ટ કરનારા પાંચ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે જ પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ જમ્મુ-કાશ્મીર પોલીસ પર તાનાશાહીનો આરોપ લગાવ્યો છે.
આવી સ્થિતિમાં ઘાટીમાં વાતાવરણ બગડે નહીં તે માટે જમ્મુ-કાશ્મીર પોલીસ સંપૂર્ણ રીતે સતર્ક છે. કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય. પોલીસે સોશિયલ મીડિયાના દુરુપયોગ સામે ઝુંબેશ શરૂ કરી છે. છેલ્લા બે દિવસમાં પાંચ લોકો સામે 'દ્વેષપૂર્ણ સામગ્રી' અપલોડ કરવા અને અફવાઓ ફેલાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં અફવા ફેલાવનાર એક વ્યક્તિ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. મધ્ય કાશ્મીરના બડગામ અને ગાંદરબાલ જિલ્લામાં બે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે બારામુલા પોલીસે 'અફવા ફેલાવનારાઓ' વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને કથિત 'ઉશ્કેરણી કરનાર' વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. પોલીસ કોઈ જોખમ લઈ રહી નથી અને સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખી રહી છે.
આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, પ્રવક્તાએ કહ્યું, 'બારામુલ્લા પોલીસે બારામુલ્લા જિલ્લાના વાની મોહલ્લા બલિહારન પટ્ટનના રહેવાસી અલી મોહમ્મદ વાનીના પુત્ર બિલાલ અહેમદ વાની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ભડકાઉ અને દેશદ્રોહી નિવેદનો ધરાવતા વીડિયો અપલોડ કરવાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે તે જ રીતે બડગામ પોલીસે અફવા ફેલાવનારા બે લોકો સામે કાર્યવાહી કરી હતી.
ગાંદેરબાલ જિલ્લામાં પોલીસે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નફરતની સામગ્રી અપલોડ કરવા અને શેર કરવા બદલ બે લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે લોકોને સોશિયલ મીડિયાના દુરુપયોગથી સાવચેત રહેવા અપીલ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વાતાવરણને બગાડવાનો અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાના કોઈપણ પ્રયાસને ગંભીરતાથી લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.