બાયોડેટા તૈયાર રાખો! રેલ્વેમાં 100000 લોકોની ભરતી થશે, રેલ્વે મંત્રીએ કરી મોટી જાહેરાત
અશ્વિની વૈષ્ણવનું બેતિયામાં મોટું એલાન, રેલવેના વિકાસ માટે રેકોર્ડ બજેટ ફાળવણી, વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધશે

Railway Recruitment 2025: કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે બિહાર માટે મોટી ભેટની જાહેરાત કરી છે. બેતિયાની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે રેલ્વેમાં ટૂંક સમયમાં એક લાખ જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને દેશમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવશે. રવિવારે બેતિયા પહોંચેલા રેલ્વે મંત્રીએ બેતિયા કેન્ટોનમેન્ટ રેલ્વે ઓવર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું અને બિહારમાં રેલ્વેના વિકાસ માટે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓની જાહેરાત કરી હતી.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે બિહારમાં રેલ્વેના વિકાસને નવી ગતિ આપવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. તેમણે માહિતી આપતા કહ્યું કે, બિહારમાં રેલ્વેના ડબલિંગ માટે 4553 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, જે રાજ્યમાં રેલ્વે માળખાને મજબૂત બનાવવામાં મદદ કરશે. તેમણે ગોરખપુર અને પટના વચ્ચે બેતિયા થઈને વંદે ભારત ટ્રેન શરૂ કરવાની સ્થાનિક લોકોની માંગણી પર પણ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને ટૂંક સમયમાં દેશમાં વધુ વંદે ભારત ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી હતી.
સંબોધન દરમિયાન રેલ્વે મંત્રીએ જણાવ્યું હતું કે, "રેલ્વેમાં એક લાખ યુવાનોને રોજગારી આપવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ભરતી રેલ્વેને વધુ કાર્યક્ષમ બનાવવામાં અને યુવાનોને નોકરીની તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે." તેમણે અમૃત ભારત સ્ટેશન યોજનાના બીજા તબક્કાની પણ જાહેરાત કરી હતી, જે હેઠળ દેશના અનેક રેલ્વે સ્ટેશનોને આધુનિક બનાવવામાં આવશે.
રેલ્વે મંત્રીએ બિહારમાં રેલ્વે માટે થયેલા રેકોર્ડ બજેટ ફાળવણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, "2009 થી 2014 દરમિયાન બિહારમાં રેલ્વેના વિકાસ માટે સરેરાશ વાર્ષિક બજેટ 1,132 કરોડ રૂપિયા હતું, જેની સરખામણીમાં આ વર્ષે બિહારને રેલ્વે માટે 10,066 કરોડ રૂપિયાનું વિક્રમજનક બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટ અગાઉની સરકારના બજેટ કરતાં લગભગ નવ ગણું વધારે છે." તેમણે ઉમેર્યું હતું કે આ રેકોર્ડ બજેટને કારણે બિહારમાં નવી રેલ્વે લાઈનોનું નિર્માણ, વિદ્યુતીકરણ, નવી ટ્રેનોનું સંચાલન અને સ્ટેશનોના વિકાસ જેવા કામો ઝડપથી થઈ રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે બિહારમાં રેલ્વે નેટવર્કનું 100 ટકા વિદ્યુતીકરણ પૂર્ણ થઈ ગયું છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ બિહારના 98 સ્ટેશનોને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવી રહ્યા છે, જેમાં ચંપારણ વિસ્તારના મુખ્ય સ્ટેશનો જેવા કે બેતિયા, બાપુધામ મોતિહારી, નરકટિયાગંજ અને રક્સૌલનો સમાવેશ થાય છે.
મુસાફરોની સુવિધા વધારવા પર ભાર મૂકતા રેલ્વે મંત્રીએ નેપાળમાં પશુપતિનાથ મંદિર સુધી બસ કનેક્ટિવિટી શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી, જે ધાર્મિક યાત્રાધામોને જોડવામાં મદદરૂપ થશે.
બેતિયામાં આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો અને લોકોએ રેલ્વે મંત્રી સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરી હતી, જેના પર મંત્રી વૈષ્ણવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરીને ટૂંક સમયમાં યોગ્ય પગલાં લેવાનું આશ્વાસન આપ્યું હતું. રેલ્વે મંત્રીની આ જાહેરાતો બિહારમાં રેલ્વેના વિકાસને નવી દિશા આપશે અને રાજ્યના લોકોને રોજગારીની નવી તકો પૂરી પાડશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો....
શું તમારી કંપની PF જમા કરાવે છે? જાણો પળવારમાં, આ રહી સરળ રીતો!
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
