વધુ એક ચૂંટણીમાં ભગવો લહેરાયો અને કોંગ્રેસની થઈ ભૂંડી હાર, NDAએ 36માંથી 33 બેઠકો જીતી, કોંગ્રેસ માત્ર 1
રાભા હાસોંગ ઓટોનોમસ કાઉન્સિલની ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગીઓએ કોંગ્રેસને કારમી હાર આપી, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ લોકોનો આભાર માન્યો

Assam Rabha Hasong election results: આસામમાં રાભા હાસોંગ ઓટોનોમસ કાઉન્સિલની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) એ જંગી જીત મેળવી છે. એનડીએએ કાઉન્સિલની કુલ 36 બેઠકોમાંથી 33 બેઠકો પોતાના નામે કરી છે, જ્યારે કોંગ્રેસ આદિજાતિ પરિષદ માત્ર એક બેઠક જીતવામાં સફળ રહી છે. આ પરિણામો આસામના રાજકારણમાં એક મોટો બદલાવ લાવનારા સાબિત થઈ શકે છે.
આસામ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામો અનુસાર, ભાજપે પોતે 6 બેઠકો જીતી હતી, જ્યારે તેના સહયોગી પક્ષ રાભા હાસોંગ જુથો સંગ્રામ સમિતિએ સૌથી વધુ 27 બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત, 2 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. શુક્રવારે જાહેર થયેલા આ પરિણામોએ રાજ્યના રાજકીય પંડિતોને પણ ચોંકાવી દીધા છે.
આ ભવ્ય જીત પર ખુશી વ્યક્ત કરતા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ લોકોનો આભાર માન્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, "આસામમાં વધુ એક ભગવા લહેર! રાભા હસોંગ સ્વાયત્ત પરિષદના લોકોનો હૃદયપૂર્વક આભાર, જેમણે પીએમ મોદીજીની કલ્યાણ નીતિઓ, ખાસ કરીને આદિવાસી સમુદાયો માટે એકતાપૂર્વક સમર્થન કર્યું. NDAએ 36માંથી 33 બેઠકો જીતી."
એનડીએની આ મોટી જીતથી સ્પષ્ટ થાય છે કે આસામમાં હિમંતા બિસ્વા સરમા અને તેમની પાર્ટીનું વર્ચસ્વ હજુ પણ અકબંધ છે. ભાજપ અને તેના સહયોગી પક્ષોએ સાથે મળીને કોંગ્રેસને કારમી હાર આપી છે. હિંદુ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં એનડીએએ પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. કોંગ્રેસનો સ્ટ્રાઈક રેટ માત્ર 0.02% રહ્યો, જેનો અર્થ છે કે તે 36 માંથી માત્ર એક જ બેઠક જીતી શકી.
Assam CM Himanta Biswa Sarma tweets, "Another Saffron Wave in Assam! Our heartfelt gratitude to the people of Rabha Hasong Autonomous Council for speaking in unison and endorsing PM Modi Ji’s welfare policies, particularly for the indigenous communities. NDA has won 33/36… pic.twitter.com/pFb44wflGv
— ANI (@ANI) April 5, 2025
આ ચૂંટણી પરિણામોએ ફરી એકવાર આસામમાં ભાજપની તાકાત સાબિત કરી છે. પાર્ટીના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ છે અને લોકો આ જીતને આસામમાં ભગવા લહેરનું પુનરાગમન માની રહ્યા છે. બીજી તરફ, કોંગ્રેસ માટે આ પરિણામો એક મોટો ફટકો છે. પાર્ટીની આ હાર બાદ તેના નેતાઓ મૌન ધારણ કરી રહ્યા છે અને કાર્યકરોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.
રાભા હાસોંગ ઓટોનોમસ કાઉન્સિલની ચૂંટણી આસામમાં યોજાયેલી એક સ્થાનિક ચૂંટણી છે, જે રાભા હાસોંગ ઓટોનોમસ કાઉન્સિલ (આરએચએસી) માટે યોજાય છે. આ કાઉન્સિલની રચના આસામ સરકાર દ્વારા 1995 માં કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાભા સમુદાય અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના આર્થિક, શૈક્ષણિક, સામાજિક-સાંસ્કૃતિક અને વંશીય ઓળખના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ કાઉન્સિલ આસામના ગોલપારા અને કામરૂપ જિલ્લામાં ફેલાયેલી છે અને તેમાં 36 મતવિસ્તારોનો સમાવેશ થાય છે. તાજેતરમાં 2 એપ્રિલ, 2025 ના રોજ યોજાયેલી ચૂંટણીમાં 4,45,586 મતદારોએ મતદાન કર્યું હતું, જેના પરિણામો 4 એપ્રિલ 2025 ના રોજ જાહેર થયા હતા. આ ચૂંટણીમાં અનુસૂચિત જનજાતિ (ST) માટે 25, મહિલાઓ માટે 6 અને સામાન્ય વર્ગ માટે 11 બેઠકો અનામત છે.





















