Bangladesh: 1000 બાંગ્લાદેશી નાગરિકોએ ભારતમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ, BSFએ જલપાઇગુડી બોર્ડર પર રોક્યા
Bangladesh: શેખ હસીનાના દેશ છોડ્યા બાદ હિન્દુ બાંગ્લાદેશીઓ પર અત્યાચારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે
Bangladesh: બાંગ્લાદેશ અને ભારત સરહદ પર સ્થિતિ તણાવપૂર્ણ છે. શેખ હસીનાના દેશ છોડ્યા બાદ હિન્દુ બાંગ્લાદેશીઓ પર અત્યાચારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં 1 હજારથી વધુ બાંગ્લાદેશી હિન્દુઓ ભારત-બાંગ્લાદેશ સરહદ પર પહોંચી ગયા છે. તેઓ સરહદ પાર કરીને ભારત આવવા માંગે છે. BSFએ ભારતમાં ઘૂસણખોરીના તેમના પ્રયાસોને અટકાવ્યા છે. BSFએ તેમને સતકુરા બોર્ડર પર રોક્યા છે. આ ઘટના જલપાઈગુડી જિલ્લાના દક્ષિણ બેરુબારી પંચાયતમાં બની હતી.
બુધવારે બપોરે એક હજારથી વધુ બાંગ્લાદેશી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મોટાભાગના બાંગ્લાદેશના હિંદુઓ છે. માહિતી મળતાં જ BSF ત્યાં પહોંચી અને ઘૂસણખોરી કરતા તેમને અટકાવ્યા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ભેગા થયેલા બાંગ્લાદેશીઓ ભારતમાં પ્રવેશવા આતુર છે.
સરહદ પર ઉભેલા હિન્દુ બાંગ્લાદેશીઓનો આરોપ છે કે તેમના ઘરો અને મંદિરોને બાળવામાં આવી રહ્યા છે. તેઓ ભારતમાં શરણ લેવા માંગે છે. બીજી તરફ ભારતીય લોકોને આ ભીડ પર શંકા છે. તેમનું કહેવું છે કે જો બાંગ્લાદેશીઓ ભારતમાં પ્રવેશ કરશે તો તેમને ખોરાકની અછતનો સામનો કરવો પડશે. આવી સ્થિતિમાં તેઓ નથી ઈચ્છતા કે બાંગ્લાદેશીઓ ભારત આવે. ભારતીય સરહદમાં પણ ભારતીયોની ભીડ સરહદ પર એકઠી થઈ ગઈ છે. જોકે, BSFએ બાંગ્લાદેશી હિન્દુઓને મનાવવાનો પ્રયાસ કર્યો હતો.
બાંગ્લાદેશની હિન્દુ મહિલાએ તેની વર્ણવી આપવીતી
તાજેતરમાં બાંગ્લાદેશની એક હિન્દુ મહિલાએ પોતાની આપવીતી વર્ણવી હતી. તેણે કહ્યું હતું કે હું કે મારા ઘરનો કોઈ સભ્ય છેલ્લા એક અઠવાડિયાથી બહાર નથી ગયો. રસોડામાં સામાન ખતમ થઈ ગયો છે. ચોખામાં મીઠું નાખી તેને બાફીને એક જ ટાઇમ ખાઇએ છીએ.
બાંગ્લાદેશમાં રાજકીય ભૂકંપની અસર માત્ર સંસદ પર જ નથી પડી, આ આગ સામાન્ય ઘરોને પણ સળગાવી રહી છે. હિન્દુ લઘુમતી સોફ્ટ ટાર્ગેટ છે. ઘરો અને દુકાનો સળગાવવામાં આવી રહી છે. મંદિરો તોડવામાં આવી રહ્યા છે. જ્યાં હિંદુઓની વસ્તી છે તે વસાહતો પર ટોળાં હુમલો કરી રહ્યાં છે. અહેવાલો અનુસાર, આવા 27 જિલ્લા છે જ્યાં લઘુમતીઓ આ બધાનો સામનો કરી રહ્યા છે. પરંતુ મહિલાઓની હાલત સૌથી ખરાબ છે.
BSF હાઈ એલર્ટ પર
બાંગ્લાદેશમાં ચાલી રહેલી કટોકટી અને લઘુમતીઓ પર કથિત હુમલાઓ વચ્ચે એવી આશંકા હતી કે લઘુમતીઓ ખાસ કરીને બાંગ્લાદેશ સરહદની બંગાળ બાજુના હિંદુઓ ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરશે. આવો પ્રયાસ 7 ઓગસ્ટે કરવામાં આવ્યો હતો જો કે BSFએ તેને ઉત્તર બંગાળના કેટલાક ભાગોમાં નિષ્ફળ બનાવ્યો હતો.