Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Bharat Bandh: કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે,

Bharat Bandh: દેશભરના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનોના સંયુક્ત મંચ દ્વારા આજે 'ભારત બંધ'નું એલાન આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં બેન્કિંગ, પરિવહન, ટપાલ સેવાઓ, ખાણકામ અને બાંધકામ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોના 25 કરોડથી વધુ કર્મચારીઓ અને ગ્રામીણ મજૂરો જોડાય તેવી અપેક્ષા છે. આ હડતાળ કેન્દ્ર સરકારની કથિત 'શ્રમ વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ તરફી' નીતિઓ વિરુદ્ધ એકતા દર્શાવવા માટે છે. જોકે શાળાઓ, કોલેજો અને ખાનગી કચેરીઓ ખુલ્લી રહેવાની શક્યતા છે, પરિવહન અને અન્ય સેવાઓમાં વિક્ષેપો રોજિંદા જીવનને અસર કરી શકે છે.
ટ્રેડ યુનિયનના એક અધિકારીએ જણાવ્યું હતું કે હડતાળથી બેન્કિંગ, વીમા, પોસ્ટલ, કોલસા ખાણકામ, હાઇવે અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં સેવાઓ ખોરવાઈ જવાની ધારણા છે. CITU, INTUC અને AITUC જેવા કેન્દ્રીય ટ્રેડ યુનિયનો ખેડૂત સંગઠનોની ચાર શ્રમ સંહિતા નાબૂદ કરવા, PSU ના કરારીકરણ અને ખાનગીકરણ, લઘુત્તમ વેતનમાં વધારો કરી 26,000 પ્રતિ માસ કરવા, સ્વામીનાથન કમિશનના C2 પ્લસ 50 ટકા ફોર્મ્યુલા પર આધારિત પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અને લોન માફીની માંગણીઓ પર ભાર મૂકી રહ્યા છે.
સંયુક્ત કિસાન મોરચા (SKM) અને NREGA સંઘર્ષ મોરચા જેવા પ્રાદેશિક સંગઠનોએ રાષ્ટ્રવ્યાપી હડતાળને ટેકો આપ્યો છે. જોકે, RSS સાથે સંકળાયેલ ભારતીય મઝદૂર સંઘ (BMS) હડતાળમાં ભાગ લેશે નહીં. BMS તેને રાજકીય રીતે પ્રેરિત વિરોધ ગણાવી રહ્યું છે.
રસ્તાઓ બ્લોક કરવામાં આવશે: CITU
સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ (CITU) ના રાષ્ટ્રીય સચિવ એ.આર. સિંધુએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. બધા અસંગઠિત ક્ષેત્રના કામદારો વિરોધમાં જોડાઈ શકશે નહીં, પરંતુ તેઓ સંગઠિત થશે અને રસ્તાઓ બ્લોક કરવામાં આવશે. ટ્રેનો પણ રોકવામાં આવશે.
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાની માંગ
મજૂર સંગઠનોએ લઘુત્તમ માસિક વેતન 26,000 રૂપિયા કરવા અને જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા જેવી માંગણીઓ પર સરકાર પર દબાણ લાવવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રવ્યાપી હડતાળ પર જવાની જાહેરાત કરી છે.
હડતાળને કોણ સમર્થન આપે છે?
ટ્રેડ યુનિયનોના મતે, 25 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાઈ શકે છે. આ હડતાળને ખેડૂતો અને ગ્રામીણ કામદારોનો પણ ટેકો મળી શકે છે. NMDC લિમિટેડ, અન્ય ખનિજ, સ્ટીલ કંપનીઓ, રાજ્ય સરકારોમાં કામ કરતા વિભાગો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાઈ શકે છે.
આ ઉપરાંત, સંયુક્ત કિસાન મોરચા અને કૃષિ મજૂર સંગઠનોએ પણ આ હડતાળને ટેકો આપ્યો છે. અગાઉ મજૂર સંગઠનોએ 26 નવેમ્બર 2020, 28-29 માર્ચ 2022 અને 16 ફેબ્રુઆરી 2024 ના રોજ દેશવ્યાપી હડતાળ પાડી હતી.
આ મુખ્ય માંગણીઓ છે
યુનિયનોનું કહેવું છે કે તેમણે ગયા વર્ષે શ્રમ મંત્રીને કેટલીક માંગણીઓનું એક આવેદનપત્ર સુપરત કર્યું હતું, જેમાંથી મુખ્ય માંગણીઓ છે.
બેરોજગારી દૂર કરવા માટે નવી ભરતીઓ શરૂ કરવી જોઈએ
યુવાનોને નોકરીઓ મળવી જોઈએ, નિવૃત્ત લોકોની ફરીથી ભરતી બંધ કરવી જોઈએ
મનરેગાના વેતન અને દિવસોની સંખ્યા વધારવી જોઈએ
શહેરી બેરોજગારો માટે પણ મનરેગા જેવી યોજના લાગુ કરવી જોઈએ
ખાનગીકરણ, કરાર આધારિત નોકરીઓ અને આઉટસોર્સિંગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ
કર્મચારીઓના અધિકારો છીનવી લેનારા ચાર શ્રમ સંહિતા નાબૂદ કરવા જોઈએ
શિક્ષણ, આરોગ્ય અને રાશન જેવી મૂળભૂત જરૂરિયાતો પર ખર્ચ વધારવો જોઈએ
સરકારે 10 વર્ષથી વાર્ષિક શ્રમ પરિષદનું આયોજન કર્યું નથી.





















