ગુરમીત રામ રહીમને CBI કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
Ranjit Singh Murder Case: ડેરા મેનેજર રણજીત સિંહ હત્યાકાંડમાં બાબા ગુરમીત રામ રહીમ અને ચાર અન્ય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
Ranjit Singh Murder Case: ડેરા મેનેજર રણજીત સિંહ હત્યાકાંડમાં બાબા ગુરમીત રામ રહીમ અને ચાર અન્ય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પંચકુલાની સીબીઆઈ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે. 19 વર્ષ બાદ સોમવારે રણજીત સિંહ હત્યા કેસમાં ચુકાદો આવ્યો છે. પંચકુલાની વિશેષ CBI કોર્ટે રામ રહીમ અને અન્ય 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા માટે રામ રહીમ પહેલાથી જ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
ગુરમીત રામ રહીમને સજાની જાહેરાત પહેલા જ શહેરની સુરક્ષાને જોતા જિલ્લા વહીવટીતંત્રે સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી હતી. પંચકુલાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મોહિત હાંડા દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, રામ રહીમ સહિત દોષિતોને સજા આપવાની જાહેરાતને કારણે જિલ્લામાં જાનમાલનું નુકશાન થશે, જેના કારણે જિલ્લામાં કોઈ પણ પ્રકારનો તણાવ અને ખલેલ ન પહોંચે, શાંતિ ભંગ અને રમખાણોની આશંકાને જોતા કલમ 144 લાગુ કરવામાં આવી છે.
ગુરમીત રામ રહીમને આ કેસમાં કોર્ટ દ્વારા પહેલાથી જ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે કોર્ટે તેની સજાની જાહેરાત કરી ન હતી. રામ રહીમ પહેલાથી જ સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકારની હત્યાના કેસમાં જેલમાં સજા કાપી રહ્યો છે. ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ હત્યા કેસમાં પંચકુલાની CBIકોર્ટમાં ત્રણેય દોષિતોની દલીલો પૂરી થઈ ગઈ હતી.
12 ઓક્ટોબરના રોજ સુનાવણી દરમિયાન ગુરમીત રામ રહીમ અને કૃષ્ણલાલની દલીલો પૂરી થઈ હતી. સાથે જ આજની કાર્યવાહી દરમિયાન જસબીર, સબદિલ અને અવતારની દલીલો પણ પૂર્ણ થઈ છે. જે બાદ CBIની વિશેષ કોર્ટે રણજિત હત્યા કેસમાં સજાની જાહેરાત કરી છે. સજાની સાથે કોર્ટે ગુરમીત રામ રહીમને 31 લાખ રૂપિયાનો દંડ અને અન્ય 4 આરોપીઓને 50 હજારનો દંડ ફટકાર્યો હતો.