Agnipath Scheme Protest: બિહારમાં કોંચીંગ સેન્ટરના માલિકોએ અગ્નિપથના વિરોધમાં મેસેજ-વિડીયો મોકલી યુવાનોને ભડકાવ્યાના આરોપ
Bihar News : બિહારમાં કોચિંગ સેન્ટરના માલિકોએ અગ્નિપથ યોજનાના વિરોધમાં યુવાનોને હિંસા કરવા પ્રેર્યા હોવાના આરોપ લાગ્યા.
Patna, Bihar : ભારત સરકારની યોજના અગ્નિપથ (Agnipath scheme)ને લઈને દેશમાં ફેલાયેલી હિંસાના મામલામાં બિહારનું નામ સામે આવી રહ્યું છે. અહીં પ્રદર્શનકારીઓએ ભારે હંગામો મચાવ્યો અને ટ્રેનોને આગ ચાંપી દીધી. આ અગ્નિપથના વિરોધમાં હિંસાની આગ પાછળ હવે કોચિંગ સેન્ટરોનું નામ બહાર આવી રહ્યું છે. આ મામલે પટનાના ડીએમ ચંદ્રશેખર સિંહનું કહેવું છે કે હિંસાના મામલામાં જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમના ફોન ચેક કર્યા બાદ જાણવા મળ્યું છે કે વોટ્સએપ દ્વારા કોચિંગ સેન્ટરોએ હિંસક પ્રદર્શન અને ઉશ્કેરણીનાં મેસેજ અને વીડિયો મોકલ્યા છે.
7 થી 8 કોચિંગ સેન્ટરોએ યુવાનોને મેસેજ મોકલ્યાં
પટનાના ડીએમ ચંદ્રશેખર સિંહે કહ્યું કે બિહારના હિંસક વિરોધ પાછળ ઘણા કોચિંગ સેન્ટરોની ભૂમિકા શંકાસ્પદ જોવા મળી છે. તેમણે કહ્યું કે હિંસક વિરોધના મામલામાં ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ દરમિયાન એ પણ બહાર આવ્યું છે કે 7 થી 8 કોચિંગ સેન્ટરોએ આ લોકોના ફોન પર વોટ્સએપ દ્વારા હિંસક સંદેશાઓ મોકલ્યા છે. તેમણે કહ્યું કે અમે સંપૂર્ણ એલર્ટ પર છીએ. આ મામલામાં 170 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, જેમાંથી 46 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
વિરોધ પ્રદર્શનને લઈને બિહાર પોલીસ એલર્ટ પર છે
અગ્નિપથના વિરોધને લઈને બિહારમાં પોલીસ એલર્ટ પર છે. રેલ્વે સ્ટેશનો પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. ADG કાયદો અને વ્યવસ્થા સંજય સિંહે કહ્યું છે કે તોફાનીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા લોકોને શોધી કાઢવામાં આવી રહ્યા છે જેઓ આમાં સામેલ છે. અત્યાર સુધીમાં બે ડઝનથી વધુ FIR નોંધાઈ છે. સેંકડો બદમાશોની ઓળખ કરીને ધરપકડ કરવામાં આવી રહી છે.
બિહારમાં સામાન્ય થઈ રહી છે સ્થિતિ
તો બીજી તરફ બિહારના નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે કહ્યું છે કે રાજ્યમાં સ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે. આ સાથે તેમણે પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવાની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું કે કેન્દ્રએ યુવાનો માટે સારી યોજના બનાવી છે, તેનાથી તેમને ઘણા ફાયદા થશે, પરંતુ આ હિંસક વિરોધ દુર્ભાગ્યપૂર્ણ છે.