ભાજપના ક્યા મુખ્યમંત્રીને બરાબરના ખખડાવીને હાઈકોર્ટ જજે કહ્યું, બે હાથ જોડીને કહું છું કે હવે તો લોકડાઉન લગાવો.......
કોર્ટે કહ્યું કે, રાજ્યની પરિસ્થિતિ નિયંત્રણની બહાર થઈ ગઈ છે. તબીબોની અછત છે. ઓક્સિજન નથી, એલ -1, એલ -2 એ હોસ્પિટલ નથી. કાગળ પર બધું સારું છે પરંતુ જમીનની હકીકત અલગ જ છે. સુવિધાઓની મોટી અછત છે, આ હકીકત કોઈથી છુપાયેલી નથી.
લખનઉ: દેશમાં કોરોના બેકાબૂ છે. છેલ્લા એક સપ્તાહથી દેશમાં રોજ 3 લાખથી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના કહેરને ઓછો કરવા માટે દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન (Lockdown) જેવા કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં પણ કોરોનાની સ્થિતિને લઈ અલ્લાહબાદ હાઈકોર્ટે (Allahabad HC) સરકારને ખખડાવતા સવાલ કર્યા કે ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણીઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કેમ નથી કરાયું. સાથે કોર્ટે હાથ જોડીને કહ્યું કે, યૂપી સરકારે 14 દિવસ માટે મોટા શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન (Lockdown) કરવું જોઈએ.
રાજ્યમાં કોરોનાથી વણસેલી સ્થિતિને ધ્યાનમાં લેતા હાઈકોર્ટે બુધવારે યોગી આદિત્યનાથ સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, રાજ્યની પરિસ્થિતિ નિયંત્રણની બહાર થઈ ગઈ છે. તબીબોની અછત છે. ઓક્સિજન નથી, એલ -1, એલ -2 એ હોસ્પિટલ નથી. કાગળ પર બધું સારું છે પરંતુ જમીનની હકીકત અલગ જ છે. સુવિધાઓની મોટી અછત છે, આ હકીકત કોઈથી છુપાયેલી નથી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અલ્લાહબાદ હાઈકોર્ટે પ્રદેશના પાંચ મોટા શહેરોમાં પૂર્ણ લોકડાઉન લગાવવાનો આદેશ આપ્યો હતો. જેને સરકારે લાગુ કરવાનો ઈનકાર કરી દીધો હતો.
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 29 હજાર 824 નવા કેસ નોંધાયા હતા. ઓક્સિજનનો અભાવ, પલંગની અછત અને આવશ્યક દવાઓના અભાવને કારણે છેલ્લા ઘણા દિવસોથી ઘણા દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,60,960 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3293 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,61,162 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 79 લાખ 97 હજાર 267
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 48 લાખ 17 હજાર 371
કુલ એક્ટિવ કેસ - 29 લાખ 78 હજાર 709
કુલ મોત - 2 લાખ 01 હજાર 709
14 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 14 કરોડ 78 લાખ 27 હજાર 367 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.