(Source: ECI/ABP News/ABP Majha)
વર્લ્ડ હેપ્પીનેસ ઈન્ડેક્ષમાં ભારતનું સ્થાન નીચે આવતાં રાહુલ ગાંધીએ માર્યો ટોણો, જાણો શું કહ્યું
સિનિયર કોંગ્રેસ નેતા અને સાંસદ સભ્ય રાહુલ ગાંધીએ હેપ્પીનેસ ઈન્ડેક્ષમાં ભારતના ખરાબ પ્રદર્શન અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
હમણાં જ વર્લ્ડ હેપ્પીનેસ ઈન્ડેક્ષ એટલે કે, વિશ્વ ખુશી ક્રમાંકની યાદી જાહેર કરાઈ છે. સિનિયર કોંગ્રેસ નેતા અને સાંસદ સભ્ય રાહુલ ગાંધીએ હેપ્પીનેસ ઈન્ડેક્ષમાં ભારતના ખરાબ પ્રદર્શન અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ભારત આવનારા થોડા સમયમાં જ નફરત અને ક્રોધ-ગુસ્સાના ચાર્ટમાં પ્રથમ આવશે.
રાહુલ ગાંધીએ વર્લ્ડ હેપ્પીનેસ ઈન્ડેક્ષના ક્રમાંકની યાદીનો ફોટ ટ્વીટ કરતાં લખ્યું હતું કે, ભૂખમરાનો ક્રમ - 101, આઝાદીનો ક્રમ - 119, હેપ્પીનેસ ક્રમ - 136. પણ આવનારા સમયમાં નફરત અને ક્રોધ (Hate and Anger)ની યાદીમાં પ્રથમ ક્રમે આવીશું.
150 દેશોમાં ભારતનું સ્થાન 136 પર:
ધ યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સોલ્યુશન નેટવર્કે (UNSDSN) નવો વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં 150 દેશોને વિવધ માપદંડો જેવા કે, સુખાકારીની ભાવના, માથાદીઠ GDP, સોશિયલ સપોર્ટ સિસ્ટમ, જીવન જીવવાના વિકલ્પ, ધારણા બાંધવાની સ્વતંત્રતા, વગેરે માપદંડોના આધારે હેપ્પીનેસ ઈન્ડેક્ષની યાદી તૈયાર કરાઈ છે. આ વર્ષની યાદીમાં સૌથી ઉપર ફિનલેન્ડ છે.
Hunger Rank: 101
Freedom Rank: 119
Happiness Rank: 136
But, we may soon top the Hate and Anger charts! pic.twitter.com/pJxB4p8DEt — Rahul Gandhi (@RahulGandhi) March 19, 2022
પાડોશી દેશો ભારત કરતાં આગળઃ
હેપ્પીનેસ ઈન્ડેક્ષની યાદીમાં ટોપ 10માં ફિનલેન્ડ, ડેનમાર્ક, આઈસલેન્ડ, સ્વીત્ઝરલેન્ડ, નેધરલેન્ડ, લક્ઝમબર્ગ, સ્વીડન, નોર્વે, ઈઝરાયેલ અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. આ યાદીમાં ભારતનો ક્રમ 136 પર આવ્યો છે. ભારતનો ક્રમ 150 દેશોમાં 136 પર આવતાં રાહુલ ગાંધીએ સત્તા પક્ષ પર કટાક્ષ કરતાં ટ્વીટ કર્યું હતું. જો કે ગયા વર્ષ કરતાં ભારતનો ક્રમ સારો છે. ગયા વર્ષે ભારત 139 પર રહ્યું હતું. આ વર્ષની યાદીમાં નેપાળનો ક્રમ 84, બાંગ્લાદેશનો ક્રમ 94, પાકિસ્તાનનો ક્રમ 121, શ્રીલંકાનો ક્રમ 127 અને અફઘાનિસ્તાનનો ક્રમ 146 પર આવ્યો છે.