(Source: ECI | ABP NEWS)
એક્ઝિટ પોલ બાદ AAP એ પ્રથમ વખત જણાવ્યું પાર્ટીને કેટલી બેઠકો મળશે, પરિણામ પહેલા વધાર્યું BJPનું ટેન્શન
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલમાં મળેલા ઝટકા વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)એ ચોંકાવનારો દાવો કર્યો છે.

Delhi Election Result 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલમાં મળેલા ઝટકા વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)એ ચોંકાવનારો દાવો કર્યો છે. AAP નેતા ગોપાલ રાયે કહ્યું કે AAP દિલ્હીમાં 50 થી વધુ સીટો પર ચૂંટણી જીતવા જઈ રહી છે. AAP સરકાર બનાવશે.
અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત બાદ ગોપાલ રાયે કહ્યું કે, એક્ઝિટ પોલની મદદથી વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેઓ (ભાજપ) એક્ઝિટ પોલની મદદથી ઓપરેશન લોટસ ચલાવીને ચૂંટણી જીતવા માંગે છે. પરંતુ અમારા તમામ ઉમેદવારો મતગણતરીની તૈયારીમાં વ્યસ્ત છે. અમે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. આવતીકાલે ભાજપનું સત્ય સૌની સામે આવશે.
એક્ઝિટ પોલના આંકડા શું કહે છે ?
દિલ્હીના મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપની જીતનો દાવો કરવામાં આવ્યો છે. એક્સિસ માય ઈન્ડિયાના સર્વે અનુસાર ભાજપને 45થી 55 સીટો, AAPને 15થી 25 સીટ અને કોંગ્રેસને 0થી 1 સીટ મળી શકે છે. દિલ્હીમાં સરકાર બનાવવા માટે 36 સીટોની જરૂર છે.
CNX સર્વે મુજબ, આપને 10 થી 19 બેઠકો મળી શકે છે. ભાજપને 49થી 61 બેઠકો મળી શકે છે. અન્યને 0 થી 1 સીટ મળી શકે છે. ડીવી રિસર્ચના સર્વે મુજબ AAPને 26થી 34 સીટો, બીજેપીને 36થી 44 સીટો મળી શકે છે.
શું છે ભાજપનો દાવો ?
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 5મી ફેબ્રુઆરીએ મતદાન થયું અને 8મી ફેબ્રુઆરીએ મતગણતરી થશે. આ પહેલા એક્ઝિટ પોલના આંકડાઓથી ભાજપ ખુશ છે. ભાજપનું કહેવું છે કે પાર્ટીને 50થી વધુ સીટો મળશે. છેલ્લી બે ચૂંટણીમાં ભાજપ ડબલ આંકડાને સ્પર્શી શક્યું નથી. ભાજપે 2020માં 8 અને 2015માં ત્રણ બેઠકો જીતી હતી. જ્યારે AAPએ 2020માં 62 અને 2015માં 67 બેઠકો જીતી હતી.
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ થયેલા મતદાન પછી વિવિધ એજન્સીઓના એક્ઝિટ પૉલના આંકડા બહાર આવ્યા છે. હવે ચર્ચા એ છે કે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે ? આ કિસ્સામાં જો આપણે ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદારોની વાત કરીએ, તો પ્રવેશ વર્મા લોકોમાં સૌથી પ્રિય ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે. આ રેસમાં મનોજ તિવારીનું નામ બીજા સ્થાને છે.
BJP માં મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ કોણ ? Axis My India ના એક્ઝિટ પૉલે ચોંકાવ્યા





















