(Source: ECI/ABP News/ABP Majha)
Independence Day 2021: 15 ઓગસ્ટ પહેલા લાલકિલ્લાને દિલ્હી પોલીસ દ્વારા કન્ટેનર્સથી ઢાંકી દેવાયો, જાણો કેમ ?
દિલ્હી પોલીસે 15 ઓગસ્ટ પહેલા કોઈ પણ પ્રકારની સંભવિત ઘટના ન બને તે માટે એક મોટું પગલું ભર્યું છે. લાલકિલ્લા પર મોટા મોટા કન્ટેનર લગાડાયા છે.
નવી દિલ્હી: દિલ્હી પોલીસે 15 ઓગસ્ટ પહેલા કોઈ પણ પ્રકારની સંભવિત ઘટના ન બને તે માટે એક મોટું પગલું ભર્યું છે. લાલકિલ્લા પર મોટા મોટા કન્ટેનર લગાડાયા છે. આ સાથે આ કન્ટેનર્સ પર પેન્ટિંગ અને સીનરી પણ લગાડાઈ દેવાઈ છે. 15 ઓગસ્ટ અંગે સુરક્ષા એજન્સીઓએ પહેલેથી એલર્ટ જારી કરી દીધું છે. આ એલર્ટ બાદ દિલ્હી પોલીસે પહેલી વાર આ નિર્ણય કર્યો છે. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે 15 ઓગસ્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરાઈ રહી છે.
લાલકિલ્લાના એન્ટ્રી પોઈન્ટ પર ડ્રોન રડાર સિસ્ટમ
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે લાલકિલ્લાના એન્ટ્રી પોઈન્ટ પર ડ્રોન રડાર સિસ્ટમ પણ ફીટ કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ ડ્રોનને શોધીને જામ કરી દેશે. આની રેન્જ લગભગ 5 કિલોમીટરની છે. એટલે કે લાલિક્લાના 5 કિમીના વિસ્તારમાં જો કોઈ ડ્રોન ઉડાવશે તો એન્ટી ડ્રોન રડાર સિસ્ટમ તેને નિષ્ક્રીય કરી દેશે.
ઓલિમ્પિકના ખેલાડીઓના બેસવાની અલગ વ્યવસ્થા
75 મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ ઓલિમ્પિકના તમામ ખેલાડીઓને લાલકિલ્લા પર આમંત્રિત કર્યાં હોવાથી સુરક્ષા એજન્સીઓએ તેમને માટે અલગથી કોરિડોર પણ બનાવી છે. તેમના બેસવાની વ્યવસ્થા પણ બાકીના મહેમાનોથી અલગ હશે.
15 ઓગસ્ટ પહેલા ડ્રોન દ્વારા દિલ્હીમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર ?
સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હી પોલીસને ભારતીય સુરક્ષા એજન્સીઓએ એલર્ટ મોકલ્યું છે. એજન્સીઓની જાણકારી અનુસાર આતંકી ડ્રોનથી દિલ્હીમાં મોટો આતંકી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જેને લઈને સુરક્ષા એજન્સીઓએ દિલ્હી પોલીસને સતર્ક કરી છે.
ડ્રોન હુમલાના ખતરાને જોતા ઈન્ડિયન એર ફોર્સ હેડક્વાર્ટરમાં એક વિશેષ ડ્રોન કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે, તેથી આવા કોઈ હુમલાને રોકી શકાય. આ સિવાય પાછલા વર્ષની તુલનામાં ડબલ એટલે કે 4 એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લાલ કિલ્લા પર લગાવવામાં આવી રહી છે, જે કોઈપણ ડ્રોનને સરળતાથી પકડી શકે છે.