Diwali 2024: મુંબઈમાં આટલા વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, BMCએ ગાઈડલાઈન જાહેર કરી
મુંબઈમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે દિવાળી પર ફટાકડા ફોડવા અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

Maharashtra News : દિવાળી એ પ્રકાશનું પર્વ છે. દિવાળીના તહેવારની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના તહેવાર પર લોકો ફટાકડા ફોડે છે અને આતશબાજી કરે છે. મુંબઈમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે દિવાળી પર ફટાકડા ફોડવા અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ દિવાળી પર માર્ગદર્શિકા જારી કરીને કહ્યું છે કે મુંબઈવાસીઓએ રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ન ફોડવા જોઈએ. આ સાથે અવાજ વગરના ફટાકડા ફોડવાને પ્રાધાન્ય આપવા અપીલ કરવામાં આવી છે.
ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે, "પ્રકાશનો તહેવાર દિવાળી મુંબઈવાસીઓએ પર્યાવરણને અનુકૂળ રીતે ઉજવવો જોઈએ." સાથે જ રોશની પ્રગટાવતી વખતે અને ફટાકડા ફોડતી વખતે સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ, ખાસ કરીને બાળકોએ વધુ સાવચેત રહેવું જોઈએ. એ પ્રકારના ફટાકડા ફોડવા જોઈએ જે ઓછામાં ઓછું હવા અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે, અવાજ વગરના ફટાકડાને પ્રાથમિક્તા આપો.
દિવાળી પર મુંબઈકરોને BMCની આ અપીલ છે
મ્યુનિસિપલ કોર્પોરેશન વતી જણાવવામાં આવ્યું છે કે મુંબઈવાસીઓ દિવાળીના પવિત્ર તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. આ ઉત્સવની ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવા, દીવડાનો શણગાર, ઈલેક્ટ્રીક લાઈટો વગેરેનો ખૂબ હોય છે. ફટાકડા વાયુ અને ધ્વનિ પ્રદૂષણનું કારણ બને છે. પ્રદુષણ અટકાવવા યોગ્ય તકેદારી રાખવામાં આવે તો દિવાળી વધુ સારી અને યાદગાર રીતે ઉજવી શકાય છે.
ઓછામાં ઓછા ફટાકડા ફોડવા BMCની અપીલ
BMCએ કહ્યું કે મહાનગરપાલિકા દ્વારા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોએ દિવાળી દરમિયાન રાત્રે 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મર્યાદા રાખવી જોઈએ. ફટાકડા પણ બને તેટલા ઓછા ફોડવા જોઈએ જેનાથી હવા અને ધ્વનિ પ્રદૂષણ થાય છે. ફટાકડાના કારણે થતા વાયુ પ્રદુષણને કારણે બાળકો, સગર્ભા મહિલાઓ, વૃદ્ધો અને અસ્થમા જેવા રોગના દર્દીઓને આરોગ્યની સમસ્યાનો સામનો કરવો પડે છે.
મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં 31મી ઓક્ટોબરની રાત્રે દિવાળીની ઉજવણી કરવામાં આવશે. ફટાકડા અને આતશબાજી આ તહેવારનું મુખ્ય આકર્ષણ છે. યુવાનોમાં પણ ફટાકડાનો ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જોકે, મહાપાલિકા દ્વારા દર વર્ષે સુરક્ષાના કારણોસર માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
