Exclusive: તાલિબાનના સંસ્થાપક સભ્યએ abp ન્યૂઝને કહ્યુ- અફઘાનિસ્તાનમાં ભારતીય સુરક્ષિત રહેશે
તાલિબાનના સંસ્થાપક નેતાઓમાંના એક મુલ્લા અબ્દુલ સલામ જઇફે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં ભારતને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે ભારતના લોકો અફઘાનિસ્તાનમાં સુરક્ષિત રહેશે
નવી દિલ્હીઃ તાલિબાનના સંસ્થાપક નેતાઓમાંના એક મુલ્લા અબ્દુલ સલામ જઇફે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં ભારતને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે ભારતના લોકો અફઘાનિસ્તાનમાં સુરક્ષિત રહેશે. જઇફે કહ્યું કે, ભારતના લોકો અફઘાનિસ્તાનમાં પાછા આવીને વિકાસ યોજનાઓ પર કામ કરી શકે છે. તેમણે દાવો કર્યો કે તાલિબાન ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે.
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે એ વાતની ગેરન્ટી લઇ શકો છો કે ભારતના લોકો જે અફઘાનિસ્તાનના લોકોની મદદ કરી રહ્યા છે તે પાછા અફઘાનિસ્તાન જઇને પોતાનું કામ શરૂ કરી શકે છે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, એક અફઘાન તરીકે અને તાલિબાનના સભ્ય હોવાના કારણે હું અબ્દુલ સલામ એ વિશ્વાસ અપાવું છે કે તાલિબાન એ સુનિશ્વિત કરશે કે તે તમામ ભારતીય જે અફઘાનિસ્તાનમાં કામ કરવા માંગે છે કે કરી શકે છે, એ તમામ ભારતીય અફઘાનિસ્તાનમાં સુરક્ષિત રહેશે. કોઇ પણ તેના વિરુદ્ધ નહી હોય
તે સિવાય તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે તાલિબાન સરકારનું ભવિષ્ય અફઘાનિસ્તાનમાં શું હશે, ખાસ કરીને ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો અંગે તમારું શું કહેવું છે? જેના જવાબમાં તેમણે કહ્યું કે, અમે ભારત સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ. અમે ભારત સાથે દ્ધિપક્ષીય વ્યાપારિક સંબંધો રાખવા માંગીએ છીએ. ભારતના લોકોને અમે પ્રોત્સાહિત કરીએ છીએ કે તે અફઘાનિસ્તાન આવે અને પોતાના વિકાસ યોજનાઓ પર કામ કરે. તેમને કોઇ પરેશાની નહી થાય. જો કોઇ પણ સમસ્યા આવે છે તો તેને રાજકીય સ્તર પર જલદી દૂર કરવામાં આવશે. તાલિબાન સહયોગ માટે તૈયાર છે. ભારતના લોકોનું અહી સ્વાગત છે. ભારતીય અહી અગાઉ કરતા વધુ સુરક્ષિત અને આઝાદ રહેશે.નોંધનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ દુનિયાભરના દેશ પોતાના લોકોને ત્યાંથી બહાર કાઢી રહ્યા છે. ભારત પણ પોતાના લોકોને બહાર કાઢવા માટે મિશન ચલાવી રહ્યું છે.