શોધખોળ કરો
કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ કોરોના પોઝિટીવ પત્રકાર વિરુદ્ધ FIR દાખલ
વાસ્તવમાં પત્રકારની દીકરી લંડનથી પાછી ફરી હતી અને તે કોરોના પોઝિટીવ હતી. બાદમાં પત્રકારને પણ કોરોના થયો હતો.

ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થનારા કોરોના પોઝિટીવ પત્રકાર વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. મુખ્યમંત્રી તરીકેની કમલનાથની અંતિમ પ્રેસ કોન્ફરન્સમાં તે પત્રકાર સામેલ થયો હતો. વાસ્તવમાં પત્રકારની દીકરી લંડનથી પાછી ફરી હતી અને તે કોરોના પોઝિટીવ હતી. બાદમાં પત્રકારને પણ કોરોના થયો હતો. આ સમાચાર બાદ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પોતાને આઇસોલેટ કરી દીધા હતા.
કમલનાથની આ પ્રેસ કોન્ફરન્સમાં દિગ્વિજય સિંહ, કોગ્રેસના તમામ ધારાસભ્યો અને પ્રદેશના વરિષ્ઠ અધિકારીઓ સહિત લગભગ 200 પત્રકાર સામેલ હતા. એવામાં અનેક અન્ય પત્રકારોએ પણ પોતાને આઇસોલેટ કર્યા છે. ભોપાલ પોલીસના પ્રવક્તાએ કહ્યું કે, શહેરના શ્યામલા હિલ્સ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે રાત્રે પત્રકાર વિરુદ્ધ કોરોના મહામારી સંબંધિત સરકારના પ્રતિબંધાત્મક આદેશનો ભંગ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
18 માર્ચના રોજ પત્રકારની દીકરી લંડનથી ભોપાલ આવી હતી. તે સમયે તેના આખા પરિવારને હોમ ક્વોરેન્ટાઇનની સલાહ આપવામાં આવી હતી પરંતુ તેના બે દિવસ બાદ 20 માર્ચના રોજ આ પત્રકાર કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થયા હતા. જેના ચાર દિવસ બાદ પત્રકારમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા.
વધુ વાંચો





















