Gujarat : બિપરજોયમાંયે બોલતી નહીં થાય બંધ! મોબાઈલ નેટવર્કને લઈ મહત્વનો નિર્ણય
લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ટેલિકોમ વિભાગે મોટો નિર્ણય લીધો છે.
Mobile Network : અરબી સમુદ્રમાં આવેલા અતિ ગંભીર ચક્રવાત 'બિપરજોય'ને પહોંચી વળવા માટે ગુજરાતનું સમગ્ર વહીવટીતંત્ર કમર કસી રહ્યું છે. આ ચક્રવાતને કારણે અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન થવાની આશંકા છે. તોફાની પવનને કારણે ઈલેક્ટ્રીક થાંભલાઓ અને ટેલિફોન ટાવરને નુકસાન થવાની પણ સંભાવના છે. જેના કારણે ટેલિકોમ નેટવર્ક પણ ખોરવાઈ શકે છે. આ સ્થિતિમાં લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ટેલિકોમ વિભાગે મોટો નિર્ણય લીધો છે.
ટેલિકોમ વિભાગે જાહેરાત કરી છે કે, ચક્રવાત 'બિપરજોય' દરમિયાન ટેલિકોમ નેટવર્કમાં વિક્ષેપ આવે તો અસરગ્રસ્ત જિલ્લાઓમાં લોકો કોઈપણ અન્ય ટેલિકોમ ઓપરેટરના નેટવર્કનો ઉપયોગ કરી શકશે. આ સેવાનો ઉપયોગ કરવા માટે લોકોએ મોબાઇલ સેટિંગ્સમાં જઈને સિમ કાર્ડ પસંદ કરવું પડશે અને પછી તેમના વિસ્તારમાં ઉપલબ્ધ મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવું પડશે.
આ સેવાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં ઉપલબ્ધ છે. જે 17 જૂન, 2023 ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી યથાવત રહેશે.
સરકારના આ નિર્ણયના કારણે લોકોને વાતચીત કરવામાં તથા સંદેશા વ્યવહારમાં મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. સાથે જ રાહત અને બચાવકાર્યમાં પણ તંત્રને મદદરૂપ બનશે. ચક્રવાતની સ્થિતિમાં ઘણીવાર એવુ બનતું હોય છે કે, વિજળી ગુમ થઈ જવાના કારણે અને મોબાઈલની સેવા ખોરવાઈ જવાની સ્થિતિમાં મુશ્કેલીમાં ફસાયેલા લોકો સંપર્ક વિહોણા બની જાય છે. જેથી મદદ માટેની માહિતીની આપ લે થઈ શકતી નથી. જેના કારણે જાન અને માલને નુંકશાન થાય છે. પરંતુ આ વખતે આમ થવાની શકયતા ટાળી શકાશે તેવુ અનુંમાન લગાવવામાં આવી રહ્યું છે.
હવામાન વિભાગનું અનુમાન છે કે, બિપરજોય ચક્રવાત 15 જૂને સાંજે 4 વાગ્યાની આસપાસ ગુજરાતના કચ્છમાં જખૌ કિનારે ત્રાટકી શકે છે. આ દરમિયાન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે ભારે નુકસાન થવાની સંભાવના છે. આ સ્થિતિમાં વાવાઝોડાને જોતા લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી દૂર કરીને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવી રહ્યા છે.
IMDએ બુધવારે જણાવ્યું હતું કે 'બિપરજોય' ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધતાં સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં ભારે પવન અને ભારે વરસાદનો સામનો કરવો પડ્યો હતો. IMDએ જણાવ્યું હતું કે 'બિપરજોય' બુધવારે માર્ગ બદલીને ઉત્તર-પૂર્વ દિશામાં કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે અને ગુરુવારે સાંજે તે જખૌ બંદર નજીક અથડાશે.