અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
ચીનના વિદેશ મંત્રી વાંગ યીની તાજેતરની ભારત મુલાકાત આ દિશામાં એક મોટું પગલું સાબિત થઈ છે. ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, આ મુલાકાત દરમિયાન અનેક મહત્વપૂર્ણ કરારો થયા છે.

India China meeting outcomes: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને ચીન બંને પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ, આ બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવો વળાંક આવ્યો છે. ગલવાન સંઘર્ષ બાદ પહેલીવાર ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારતની મુલાકાતે આવ્યા છે અને ભારતના ટોચના નેતાઓ સાથેની તેમની મુલાકાત દરમિયાન, બંને દેશોએ પરસ્પર સહયોગ માટે 10 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સંમતિ સાધી છે. આ નિર્ણયોમાં કૈલાશ માનસરોવર યાત્રાને ફરી શરૂ કરવા, વિઝા પુનઃસ્થાપિત કરવા અને સરહદ પર શાંતિ જાળવી રાખવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
અમેરિકાના ટેરિફ યુદ્ધના જવાબમાં ભારત અને ચીને દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે 10 મુદ્દાઓ પર સહમતિ આપી છે. આમાં કૈલાશ માનસરોવર યાત્રા માટે યાત્રાળુઓની સંખ્યા વધારવા, પ્રવાસી અને વેપારી વિઝા ફરીથી શરૂ કરવા, સીધી ફ્લાઈટ્સ પુનઃસ્થાપિત કરવા, અને દ્વિપક્ષીય વેપારને વેગ આપવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ સામેલ છે. બંને દેશોએ ભવિષ્યમાં રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે સહકાર આપવા અને બ્રિક્સ (BRICS) તથા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) જેવી આંતરરાષ્ટ્રીય બેઠકોમાં એકબીજાને ટેકો આપવા પર પણ સહમતિ વ્યક્ત કરી છે.
દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટેના 10 નિર્ણયો
- કૈલાશ માનસરોવર યાત્રા: બંને દેશો કૈલાશ માનસરોવર યાત્રાને ફરીથી શરૂ કરવા અને યાત્રાળુઓની સંખ્યા વધારવા પર સંમત થયા છે.
- વિઝા પુનઃસ્થાપિત: પ્રવાસી, વેપાર, મીડિયા અને અન્ય વિઝા સુવિધાઓ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- સીધી ફ્લાઈટ્સ: ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઈટ સેવાઓ શક્ય તેટલી વહેલી તકે ફરી શરૂ કરવામાં આવશે.
- વેપાર અને આર્થિક સંબંધો: બંને દેશો દ્વિપક્ષીય વેપાર સંબંધોને સુધારવા અને વેપાર સમસ્યાઓનું નિવારણ લાવવા માટે સહમત થયા છે.
- સરહદી શાંતિ: બંને દેશો સરહદ પર શાંતિ અને સુમેળ જાળવી રાખવા માટે પ્રયાસો ચાલુ રાખશે.
- ઉચ્ચ સ્તરીય બેઠકો: દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા મતભેદો ઉકેલવા અને 2026 માં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાનું નક્કી કરાયું છે.
- રાજદ્વારી સંબંધોની ઉજવણી: 2025 માં રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે સહકાર આપવાનું વચન આપ્યું છે.
- SCO સમિટમાં સહકાર: ભારતે ચીનની અધ્યક્ષતામાં તિયાનજિનમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટને સંપૂર્ણ ટેકો આપ્યો છે.
- બ્રિક્સ (BRICS) સમર્થન: ચીન 2026 ની બ્રિક્સ સમિટનું આયોજન કરવામાં ભારતને સમર્થન આપશે.
- પરસ્પર હિત: બંને દેશો એક સ્થિર અને દૂરંદેશી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે કામ કરશે, જે એકબીજાના હિતમાં છે.





















