610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
IndiGo crisis update: ઈન્ડિગો કટોકટી વચ્ચે કંપનીના સીઈઓ પીટર એલ્બર્સે રવિવારે (7 ડિસેમ્બર, 2025) રાહતના સમાચાર આપતા જણાવ્યું હતું કે એરલાઈન હવે ધીમે ધીમે તેની મૂળ સ્થિતિમાં પરત ફરી રહી છે.

IndiGo crisis update: ઈન્ડિગો એરલાઈન્સમાં સર્જાયેલી ટેકનિકલ ખામી બાદ હવે પરિસ્થિતિ ઝડપથી સુધરી રહી છે. ઉડ્ડયન મંત્રાલયે કડક વલણ દાખવતા એરલાઈનને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ફ્લાઈટ રદ થવાને કારણે પ્રભાવિત થયેલા મુસાફરો પાસેથી રી-શેડ્યુલિંગ માટે કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ વસૂલવામાં ન આવે. અત્યાર સુધીમાં મુસાફરોને 610 કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવી દેવામાં આવ્યું છે અને અટવાયેલી 3000 જેટલી બેગ્સ પણ પરત કરવામાં આવી છે. હાલમાં એરલાઈનની કામગીરી પાટા પર ચડી રહી છે અને લગભગ 1650 ફ્લાઈટ્સ ઓપરેટ થઈ રહી છે.
સિસ્ટમમાં સુધારો: નેટવર્ક લગભગ નોર્મલ થયું
ઈન્ડિગો કટોકટી વચ્ચે કંપનીના સીઈઓ પીટર એલ્બર્સે રવિવારે (7 ડિસેમ્બર, 2025) રાહતના સમાચાર આપતા જણાવ્યું હતું કે એરલાઈન હવે ધીમે ધીમે તેની મૂળ સ્થિતિમાં પરત ફરી રહી છે. ટેકનિકલ સિસ્ટમમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે, જેના પરિણામે રવિવારે કંપની લગભગ 1650 ફ્લાઈટ્સ ઓપરેટ કરવા સક્ષમ બની છે. કંપનીએ દાવો કર્યો છે કે તેમનું નેટવર્ક લગભગ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ ગયું છે. આ ઉપરાંત, રિફંડ પ્રક્રિયા, સામાનની ડિલિવરી અને ટિકિટ રિબુકિંગ જેવી કામગીરી પણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી રહી છે.
મુસાફરોને મોટી રાહત: 610 કરોડ રૂપિયા પરત અપાયા
ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ, મુસાફરોને અત્યાર સુધીમાં કુલ 610 કરોડ રૂપિયાનું રિફંડ ઇશ્યુ કરી દેવામાં આવ્યું છે. સરકારે એરલાઈનને રવિવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં તમામ અસરગ્રસ્ત મુસાફરોને પૂરેપૂરું વળતર ચૂકવી દેવાનો કડક આદેશ આપ્યો હતો. સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફ્લાઈટ રદ થવાને કારણે જે મુસાફરોને પોતાની મુસાફરીના સમયપત્રકમાં ફેરફાર કરવો પડ્યો છે, તેમની પાસેથી એરલાઈન કોઈપણ વધારાની ફી લઈ શકશે નહીં.
હેલ્પડેસ્ક અને સપોર્ટ સિસ્ટમ સક્રિય
મુસાફરોની સમસ્યાઓના ત્વરિત નિવારણ માટે એક ડેડિકેટેડ સપોર્ટ સેલની રચના કરવામાં આવી છે. આ સેલનો મુખ્ય ઉદ્દેશ્ય રિફંડ અને રિબુકિંગને લગતી ફરિયાદોને કોઈપણ વિલંબ વિના ઉકેલવાનો છે. મંત્રાલયે નોંધ્યું છે કે ઈન્ડિગોની કામગીરીમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે અને ફ્લાઈટ ઓપરેશન હવે સામાન્ય સ્તરે પહોંચી રહ્યું છે.
ઉડ્ડયન મંત્રીની સીધી દેખરેખ: સ્થિતિ સામાન્ય બની રહી છે
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં એવિએશન નેટવર્ક હવે સામાન્ય થઈ રહ્યું છે. જ્યાં સુધી કામગીરી સંપૂર્ણપણે સ્થિર ન થાય ત્યાં સુધી સુધારાત્મક પગલાં ચાલુ રહેશે. તેમણે સોશિયલ મીડિયા પર માહિતી આપતા કહ્યું હતું કે, "છેલ્લા 4 દિવસથી મુસાફરોની હાલાકી ઘટાડવા માટે અમે એરપોર્ટ ઓપરેટરો અને અન્ય એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છીએ. પરિસ્થિતિનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે નિયમિત બેઠકો યોજાઈ રહી છે."
લગેજની સમસ્યા ઉકેલાઈ: 3000 બેગ માલિકો સુધી પહોંચી
સરકારે એરપોર્ટ ઓપરેટરોને ફસાયેલા મુસાફરો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવા તાકીદ કરી છે. સામાનની હેરફેર અંગે મંત્રાલયે ઈન્ડિગોને આદેશ આપ્યો હતો કે વિક્ષેપને કારણે મુસાફરોથી અલગ થઈ ગયેલો સામાન 48 કલાકની અંદર પહોંચાડવામાં આવે. ઈન્ડિગોએ શનિવાર સુધીમાં દેશભરમાં 3000 બેગ્સ મુસાફરોને સફળતાપૂર્વક પહોંચાડી દીધી છે.
અમદાવાદ સહિતના મેટ્રો એરપોર્ટ પર હવે ભીડ નહીં
ફ્લાઈટ ઓપરેશનમાં સુધારો થતા આંકડાકીય રીતે પણ રાહત જોવા મળી છે. શુક્રવારે ઈન્ડિગોની 706 ફ્લાઈટ્સ ઓપરેટ થઈ હતી, જે શનિવારે વધીને 1,565 થઈ હતી અને રવિવારે આ આંકડો 1,650 સુધી પહોંચવાનો અંદાજ છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, અમદાવાદ અને ગોવા જેવા વ્યસ્ત એરપોર્ટ પર હવે સ્થિતિ સામાન્ય છે. ટર્મિનલ પર ચેક-ઈન, સિક્યુરિટી કે બોર્ડિંગ ગેટ પર હવે કોઈ અફરાતફરી કે ભીડ જોવા મળતી નથી.





















