જગદીપ ધનખડને આવ્યો એક ફોન કોલ અને આપી દીધું રાજીનામું? જાણો રાજીનામા પાછળની ઇનસાઇડ સ્ટોરી
સ્વાસ્થ્યનો હવાલો અપાયો, પરંતુ NDTV રિપોર્ટ મુજબ ન્યાયાધીશ યશવંત વર્માના મુદ્દે વિપક્ષની નોટિસ સ્વીકારવા પર વિવાદ સર્જાયો.

Jagdeep Dhankhar resignation: ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું મંગળવારે (July 22, 2025) રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું છે. જોકે ધનખડે સ્વાસ્થ્યને કારણભૂત ગણાવ્યું છે, પરંતુ કોંગ્રેસ સહિતના વિપક્ષે આ રાજીનામાની સ્ક્રિપ્ટ પહેલેથી જ તૈયાર હોવાનો અને ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. NDTV ના એક અહેવાલ મુજબ, આ રાજીનામા પાછળની અસલ કથા કંઈક અલગ જ છે. અહેવાલમાં દાવો કરાયો છે કે ન્યાયાધીશ યશવંત વર્માને હટાવવાના વિપક્ષના પ્રસ્તાવને ઉપરાષ્ટ્રપતિએ સ્વીકારી લીધા બાદ કેન્દ્ર સરકાર તરફથી તેમને ફોન આવ્યો હતો, જેના કારણે ઉગ્ર ચર્ચા થઈ અને ત્યારબાદ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ચર્ચાઓ શરૂ થઈ. આ પરિસ્થિતિને પારખીને જગદીપ ધનખડે સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દીધું હોવાનું મનાય છે.
NDTV ના અહેવાલ મુજબ, જગદીપ ધનખડના રાજીનામા પાછળ ન્યાયાધીશ યશવંત વર્માને હટાવવાના પ્રસ્તાવનો મુદ્દો જવાબદાર હોઈ શકે છે. જસ્ટિસ વર્માના નિવાસસ્થાનેથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી, જેના પગલે તેમને હટાવવા માટે વિપક્ષ દ્વારા પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. સોમવારે ચોમાસુ સત્ર શરૂ થતા જ વિપક્ષી સાંસદોએ આ અંગેની નોટિસ રજૂ કરી. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ તરીકે જગદીપ ધનખડે આ નોટિસ સ્વીકારી લીધી અને ગૃહના મહાસચિવને જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યો. રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારને આ પગલું પસંદ પડ્યું ન હતું.
કેન્દ્ર સરકારનો ફોન અને ધનખડનો પ્રતિભાવ
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મુદ્દે કેન્દ્ર સરકારે સીધા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને ફોન કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ ફોન કોલ દરમિયાન, ધનખડે તીવ્ર પ્રતિક્રિયા આપી અને વાતચીત ચર્ચામાં ફેરવાઈ ગઈ. ચર્ચા દરમિયાન, ઉપરાષ્ટ્રપતિએ પોતાના પદની બંધારણીય શક્તિઓ અને અધિકારોનો પણ ઉલ્લેખ કર્યો હોવાનું મનાય છે.
આ ફોન કોલ બાદ જ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. નોંધનીય છે કે, વિપક્ષ દ્વારા ઉપરાષ્ટ્રપતિ સામે અગાઉ આવી જ દરખાસ્ત લાવવામાં આવી હતી અને તેના માત્ર છ મહિના પછી જ આ નવી ઘટના બની. અહેવાલ સૂચવે છે કે જગદીપ ધનખડને આ સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો અને તેના પરિણામે તેમણે જાતે જ રાજીનામું આપી દીધું.
શ્રેયની લડાઈ: શાસક પક્ષ અને વિપક્ષ
રસપ્રદ વાત એ છે કે, જસ્ટિસ યશવંત વર્માને દૂર કરવા માટે શાસક પક્ષ અને વિપક્ષ બંને સહમત છે. સોમવારે ચોમાસુ સત્રના પહેલા જ દિવસે, સરકારે લોકસભામાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દરમિયાન, શાસક પક્ષના 152 સાંસદોએ જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા હતા. તે જ સમયે, વિપક્ષે રાજ્યસભામાં પણ સમાન પ્રસ્તાવ લાવ્યો હતો, જેમાં 63 સાંસદોએ જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. આ દર્શાવે છે કે ન્યાયાધીશને હટાવવા અંગે સહમતિ છે, પરંતુ તેના શ્રેય (credit) કોણ લે છે, તે મુદ્દે રાજકીય ખેંચતાણ ચાલી રહી છે.





















