Kanjhawala Accident : કાંઝાવાલા કેસમાં આરોપીઓએ કરી કાળજુ કંપાવી દેતી કબુલાત
પોલીસ સૂત્રોનું કહેવું છે કે, આરોપીઓએ મૃતદેહને એટલા માટે બહાર નહોતો કાઢ્યો કારણ કે તેમને ડર હતો કે જો કોઈ તેમને લાશને બહાર કાઢતા જોશે તો તેઓ ફસાઈ જશે.
Kanjhawala Accident Update: કાંઝાવાલા કેસમાં આરોપીઓએ ક્રુરતાની તમામ હદો વટાવી દીધી છે. હવે આ મામલે વધુ એક સનસની ખુલાસો થયો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, કારમાં બેઠેલા આરોપીઓએ કબૂલાત કરી લીધી છે કે, ઘટનાના થોડા સમય બાદ જ તેમને ખબર પડી ગઈ હતી કે યુવતીનો મૃતદેહ તેમની કારમાં ફસાઈ ગયો છે.
પોલીસ સૂત્રોનું કહેવું છે કે, આરોપીઓએ મૃતદેહને એટલા માટે બહાર નહોતો કાઢ્યો કારણ કે તેમને ડર હતો કે જો કોઈ તેમને લાશને બહાર કાઢતા જોશે તો તેઓ ફસાઈ જશે. તેથી આરોપીઓએ વિચાર્યું હતું કે ચાલુ કારે જ લાશ આપોઆપ બહાર ફેંકાઈ જશે.
જેના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, આ આરોપીઓ એ વાત સારી રીતે જાણતા હતા કે તેમની કારમાં એક મૃતદેહ ફસાયો છે અને તે ઢસડાઈ રહ્યો છે. પરંતુ ફસાઈ જવાના ડરથી તેઓએ લાશને કેટલાય કિલોમીટર સુધી ઢસડી જવાનું જ યોગ્ય માન્યું હતું. આરોપીઓએ ખુદ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો છે. અત્યાર સુધી આ મામલે એક પછી એક એવા ખુલાસા થઈ રહ્યા હતાં જેના કારણે લોકોમાં આક્રોશ સતત વધી રહ્યો હતો.
અંકુશ ખન્નાને મળી ગયા જામીન
દિલ્હીની એક અદાલતે શનિવારે અંકુશ ખન્નાના જામીન મંજુર કર્યા હતા. અંકુશ ખન્ના કે જેણે કંઝાવાલા અકસ્માત કેસમાં કથિત રીતે આરોપીઓનો બચાવ કર્યો હતો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સાન્યા દલાલે સરેંડર કરનાર ખન્નાના જામીન મંજૂર કર્યા હતા, કારણ કે તેની સામે લાગેલા આરોપો જામીનપાત્ર છે. આરોપીને રૂ. 20,000ના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા.
નવા વર્ષની ઉજવણી દરમિયાન થયો હતો આ અકસ્માત
31મી ડિસેમ્બર-1લી જાન્યુઆરી વચ્ચે રાત્રે કાંઝાવાલાના રોડ પર જે કંઈ પણ થયું તે ખૂબ જ દર્દનાક અકસ્માત હતો. અંજલિ રવિવારે રાત્રે પોતાની સ્કૂટી પર એક કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહી હતી. ત્યારબાદ તેનો અકસ્માત થયો હતો અને આરોપી લગભગ 12 કિલોમીટર સુધી લટકતા મૃતદેહ સાથે કાર ચલાવતો રહ્યો હતો. હવે આરોપીઓએ પોતે જ કબૂલાત કરી છે કે તેઓને કારમાં યુવતીની લાશ ફસાયેલી હોવાની પહેલાથી જ ખબર હતી.