MP Corona Cases Spike: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યના બે મોટા શહેરોમાં પણ આવતીકાલથી નાઇટ કર્ફ્યૂ, 8 શહેરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બંધ રહેશે બજાર
Madhya Pradesh Coronavirus Update: શિવરાજ સરકારે બુધવાર રાતથી ભોપાલ અને ઈન્દોરમાં નાઇટ કર્ફ્યૂ નાંખવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશના આઠ શહેરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બજારો બંધ રહેશે.
ભોપાલઃ દેશમાં કોરોના સંક્રમણ ફરી બેકાબૂ બની રહ્યું છે. ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં આવતીકાલે રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, રાજ્ય સરકારે કોર્પોરેશનોને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પગલાં ભરવાની છૂટ આપી છે.
આ દરમિયાન ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશે પણ કોરોના પર કાબુ મેળવવા નાઇટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. શિવરાજ સરકારે બુધવાર રાતથી ભોપાલ અને ઈન્દોરમાં નાઇટ કર્ફ્યૂ નાંખવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશના આઠ શહેરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બજારો બંધ રહેશે. આ શહેરોમાં જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈન, રતલામ, છીંદવાડા, બુરહાનપુર, બૈતૂલ અને ખરગોન સામેલ છે. આ શહેરોમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ નહીં રહે પરંતુ બજારો બંધ રખાશે.
મહારાષ્ટ્રથી આવતા લોકોનું થર્મલ સ્ક્રીનિંગ
મહારાષ્ટ્રમાં પણ કોરોના વાયરસના કારણે સ્થિતિ બગડી રહી છે. પરિણામે મધ્યપ્રદેશથી આવતાં લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના જબલપુર જિલ્લાના કલેકટર કર્મવીર શર્માએ કોવિડ-19 રસી લીધા બાદ કોરોના સંક્રમિત થયા છે. શર્માએ સ્વયં આ વાતની જાણકારી આપી છે. તેમણે ફેસબુક એકાઉન્ટ પરથી લખ્યું, તમામ સાવધાની રાખવા છતાં મામૂલી ચૂકના કારણે કોરોના સંક્રમિત થયો અને આ મારો વ્યક્તિગત અનુભવ છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 24 હજાર 492 નવા કેસો નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો છે. આ મહામારીથી કાલે 131 લોકોના મોત થયા છે. વળી દેશની વાત કરીએ તો અત્યાર સુધી દેશમાં 3 કરોડ 29 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે, છતાં કોરોના વકરી રહ્યો છે. ખાસ વાત છે કે દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાતી પણ સામેલ છે.
ગુજરાત સહિત આ પાંચ રાજ્યોમાં 78 ટકાથી વધુ નવા કેસો....
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટકા, ગુજરાત અને તામિલનાડુમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. આ રાજ્યોમાં નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, અને 78.41 ટકા નવા કેસો આ પાંચ રાજ્યોમાંથી સામે આવ્યા છે. ભારતમાં કુલ 77 ટકા એક્ટિવ દર્દીઓ મહારાષ્ટ્ર, કેરાલા અને પંજાબના છે. ઠીક થયેલા દર્દીઓમાંથી 84.10 ટકા છ રાજ્યોમાંથી છે.