Cold Day Alert: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, આ રાજ્યોમાં કોલ્ડવેવની આગાહી
રાષ્ટ્રીય રાજધાનીમાં ધુમ્મસની ચાદર પાતળી થઈ ગઈ હોવા છતાં સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં શનિવારે પણ ઠંડા દિવસની સ્થિતિ યથાવત રહી હતી.
રાષ્ટ્રીય રાજધાનીમાં ધુમ્મસની ચાદર પાતળી થઈ ગઈ હોવા છતાં સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં શનિવારે પણ ઠંડા દિવસની સ્થિતિ યથાવત રહી હતી. ભારતીય હવામાન વિભાગે શનિવારે જણાવ્યું હતું કે આજે પૂર્વી ઉત્તર પ્રદેશમાં મોટાભાગના સ્થળોએ ઠંડા દિવસની સ્થિતિ પ્રવર્તી રહી છે. ઉપરાંત, પૂર્વ મધ્ય પ્રદેશના ઘણા ભાગો, પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો, હરિયાણા અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં ઠંડા દિવસની સ્થિતિ યથાવત છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને મધ્ય પ્રદેશના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાન છ ડિગ્રી નોંધાયું હતું. તેમણે કહ્યું કે શનિવારે મધ્યપ્રદેશના નૌગાંવમાં સૌથી ઓછું 3.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે કહ્યું કે 21 થી 24 જાન્યુઆરી સુધી પંજાબના કેટલાક સ્થળોએ તીવ્ર શીત લહેર આવવાની સંભાવના છે. આ સાથે અન્ય રાજ્યો માટે કોલ્ડવેવ અને કોલ્ડ ડેની ચેતવણી જારી કરવામાં આવી છે.
21 થી 24 જાન્યુઆરી સુધી હરિયાણા અને ચંદીગઢના ઘણા સ્થળોએ કોલ્ડવેવની સંભાવના છે. આ સિવાય ઉત્તરાખંડમાં 20 અને 21 જાન્યુઆરીએ કોલ્ડ ડેની ચેતવણી જારી કરવામાં આવી હતી. રાજસ્થાનના પશ્ચિમ ભાગોમાં આજે પણ ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો.
બિહારના ઘણા જિલ્લાઓમાં 24 જાન્યુઆરી સુધી કોલ્ડ ડેની ચેતવણી જારી કરવામાં આવી હતી. હરિયાણા અને ચંદીગઢના ભાગોમાં 21 જાન્યુઆરીએ કોલ્ડ દિવસની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. ઉપરાંત, 21 જાન્યુઆરીએ મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં ઠંડા દિવસની ચેતવણી જારી કરવામાં આવી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ગાઢ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેશે. દિલ્હી-એનસીઆરથી લઈને ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભારત સુધી લોકોને આગામી ચાર દિવસ સુધી ઠંડીની લહેરથી રાહત મળવાની અપેક્ષા નથી.
દિલ્હીમાં હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આગામી બે દિવસ સુધી સવારે ગાઢ ધુમ્મસ રહેશે, જેને જોતા શનિવાર માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે.