Nitish Kumar : PM બનવાના સપના જોતા નીતીશની JD(U)ને આખા ગુજરાતમાંથી માત્ર 29 જ મત મળ્યાં
નીતીશ કુમારના વડાપ્રધાન બનવાના સપનાનએ પણ વિજળી જેવો ઝાટકો લાગ્યો છે. પરંતુ ગુજરાતમાં તો નીતીશ કુમારની જેડીયુએ અત્યંત શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે.
Nitish Kumar Part JDU : જનતા દળ (યુનાઈટેડ) એટલે કે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશ કુમાર વર્ષ 2024માં વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાના સપના જોઈ રહ્યાં છે. આ માટે તેમણે બિહારમાં ભાજપ સરકાર સાથે છેડો ફાડી લાલુ પ્રસાદ યાદવની આરજેડી સાથે હાથ મિલાવી લીધા. આ સાથે જ તેઓ મહાગઠબંધનમાં પણ ભળી ગયાં. પરંતુ 2024ની લોકસભાની ચૂંટણીના ટ્રેલર સમાન માનવામાં આવતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને બિહારમાં યોજાયેલી કુઢની વિધાનસભા બેઠક પરની પટાચૂંટણીમાં નીતીશ કુમારને ધોબી પછાડ મળી છે. આ સાથે જ નીતીશ કુમારના વડાપ્રધાન બનવાના સપનાનએ પણ વિજળી જેવો ઝાટકો લાગ્યો છે. પરંતુ ગુજરાતમાં તો નીતીશ કુમારની જેડીયુએ અત્યંત શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે.
એક તરફ બિહારમાં ત્રણ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં બે બેઠકો ગુમાવ્યા બાદ મહાગઠબંધનની સરકાર મુશ્કેલીમાં છે. ગોપાલગંજમાં આરજેડી અને કુધાનીમાં જેડીયુની હાર બાદ મહાગઠબંધનમાં સામેલ રાજકીય પક્ષો આ માટે નીતિશ કુમાર અને જનતા દળ યુનાઈટેડને સીધો દોષી ઠેરવી રહ્યા છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા અનિલ સાહનીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજીનામું આપી તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. એક તરફ મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ જેવી પાર્ટીઓ પેટાચૂંટણીમાં હાર માટે દારૂબંધી અને મુખ્યમંત્રી નીતિશ કુમારની નીતિઓને જવાબદાર ઠેરવી રહી છે. તો બીજી તરફ આજે બિહારના પૂર્વનાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીના નિવેદને આરજેડી અને કોંગ્રેસના નિવેદનોને વધુ હવા આપી છે.
ગુજરાતમાં જેડીયુના ઉમેદવારે નોંધાવ્યો શરમજનક રેકોર્ડ
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ નીતીશ કુમારને ચાબખા માર્યા હતાં. સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે, જ્યાં ભાજપે ગુજરાતમાં 156 બેઠકો જીતીને રેકોર્ડ બનાવ્યો છે. બીજી તરફ JDUના બાપુનગર વિધાનસભાના ઉમેદવાર પઠાણ ઈમ્તિયાઝ સિદખાને ગુજરાતમાં સૌથી ઓછા 29 મત મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. સુશીલ મોદીએ કહ્યું હતું કે, ચૂંટણી પંચના મતે ભાજપને 52.50 ટકા વોટ મળ્યા છે. જ્યારે નીતિશ કુમારની જેડીયુને શૂન્ય ટકા વોટ મળ્યા હતા.
AAP રાષ્ટ્રીય પક્ષ બન્યો પરંતુ JDU પ્રાદેશિક પક્ષ જ રહ્યો
સુશીલ મોદીએઆ નીતીશ પર આરોપ યથાવત રાખતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 13 ટકા વોટ મેળવીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો હાંસલ કર્યો છે. જ્યારે JDU 0% મત મેળવીને પ્રાદેશિક પક્ષના દરજ્જા સુધી જ મર્યાદિત રહી હતી. સુશીલ મોદીએ કહ્યું હતું કે, વિપક્ષની એકતા મરેલા ઘોડા જેવી છે. ગમે તેટલા ચાબુક ફટકારવામાં આવે પણ ઘોડો વધુ સમય સુધી ઊભો રહી શકતો નથી. અરવિંદ કેજરીવાલે એકલા હાથે AAPને બે રાજ્યોમાં સરકાર અને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપાવ્યો. જ્યારે બીજી તરફ નીતીશ કુમાર પોતાના ગૃહ રાજ્યમાં માંડ માંડ પોતાની પાર્ટીને 45 બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા. સુશીલ મોદીએ એમ પણ કહ્યું હતું કે, લાલન સિંહ કુઢની અને ગુજરાત પર કેમ ચૂપ છે? લાલન સિંહની બીજી ઇનિંગની શરૂઆત હાર સાથે થઈ રહી છે. હવે જેડીયુ તેનો વિલય આરજેડીમાં કરી નાખે અને બિહારની કમાન તેજસ્વીને સોંપે.