દક્ષિણ આફ્રિકામાં હાહાકાર મચાવનાર નવા વેરિયન્ટને લઈને દુનિયામાં ચિંતાનું મોજું ફરી વળ્યું, ભારતથી શું આવ્યા મોટા સમાચાર?
ભારતથી આ વેરિયન્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અધિકારીરિક સૂત્રોના હવાલાથી એએનઆઇએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, ભારતમાં નવા વેરિયન્ટનો એક પણ કેસ નોંધાયો નથી.
નવી દિલ્લીઃ દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવી દીધો છે. દક્ષિણ આફ્રિકામાં નવા વેરિયન્ટને કારણે કેસોમાં અચાનક જોરદાર ઉછાળો આવવાં માંડ્યો છે, ત્યારે દુનિયાના અન્ય દેશોમાં ફરી ફફડાટ ફેલાયો છે. જર્મની-ઇટાલી સહિતના દેશોએ સાઉથ આફ્રિકાથી આવતાં લોકો માટે પ્રવેશ બંધ કરી દીધો છે. ત્યારે ભારતથી આ વેરિયન્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
અધિકારીરિક સૂત્રોના હવાલાથી એએનઆઇએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, ભારતમાં નવા વેરિયન્ટનો એક પણ કેસ નોંધાયો નથી. દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓએ બહુવિધ પરિવર્તન સાથે કોવિડ 19નું નવું સ્વરૂપ શોધી કાઢ્યું છે. અહીં કોરોનાના કેસોમાં તેજી વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે. "કમનસીબે અમે એક નવો પ્રકાર શોધી કાઢ્યો છે જે દક્ષિણ આફ્રિકામાં ચિંતાનું કારણ છે," વાઈરોલોજિસ્ટ તુલિયો ડી ઓલિવિરાએ ઇમરજન્સીમાં બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
No case of COVID19 variant B.1.1.529 has been reported in India so far: Official Sources
— ANI (@ANI) November 26, 2021
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અધિકારીઓએ એક મીટિંગમાં દક્ષિણ આફ્રિકા અને પડોશી બોત્સ્વાનામાં ફેલાતા નવા પ્રકાર B.1.1529ની ચર્ચા કરી હતી. યુસીએલ જિનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ફ્રાન્કોઇસ બૉલૉક્સ દ્વારા સાયન્સ મીડિયા સેન્ટરમાં પ્રકાશિત થયેલા નિવેદન અનુસાર, આ પ્રકારનો ઉદ્ભવ કદાચ ક્રોનિક ચેપ ધરાવતા HIV/AIDS દર્દીમાં થયો હતો.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝના જણાવ્યા અનુસાર, દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધીમાં નવા પ્રકારના 22 કેસ મળી આવ્યા છે. અત્યારે ડેટા મર્યાદિત છે અને વૈજ્ઞાનિકો ચેપ ફેલાવવાની તેની ક્ષમતાને ચકાસવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે દક્ષિણ આફ્રિકામાં જોવા મળતું નવું સ્વરૂપ ડેલ્ટા કરતાં પણ ખરાબ હોઈ શકે છે, જે ભારતમાં બીજી લહેર માટે જવાબદાર હતું.
બીજી તરફ, ભારત સરકારે ગુરુવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સ્વાનાથી આવતા અથવા આ દેશોમાંથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની કડક સ્ક્રીનિંગ કરવા જણાવ્યું હતું. આ દેશોમાં ગંભીર જાહેર આરોગ્ય અસરો સાથે કોવિડ 19ના નવા પ્રકારો નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિક મુખ્ય સચિવો અથવા મુખ્ય સચિવો અથવા સચિવો (આરોગ્ય) ને લખેલા પત્રમાં, તેમને ખાતરી કરવા કહ્યું છે કે ચેપગ્રસ્ત મળી આવેલા મુસાફરોના નમૂના તાત્કાલિક પરીક્ષણ માટે મોકલવામાં આવે.