(Source: ECI/ABP News/ABP Majha)
NPP : તો શું વધુ એક રાજ્યમાં ભાંગી પડશે ભાજપની સરકાર?
એનપીપીને ભાજપ સાથેના તેના સમીકરણો પર ફરીથી વિચાર કરવાની ફરજ પડશે. આપણે મૂક પ્રેક્ષક બનીને રહી ના શકીએ. NPPની આ ધમકીએ ભાજપની ચિંતા વધારી દીધી છે.
NPP National Vice President : મણિપુરમાં લગભગ દોઢ મહિનાથી હિંસા ચાલી રહી છે. તમામ પ્રયાસો બાદ પણ સ્થિતિ કાબૂમાં નથી આવી રહી. આ દરમિયાન નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વાય જોયકુમાર સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો આવનારા દિવસોમાં સ્થિતિમાં સુધારો નહીં થાય તો અમે બીજેપી સાથેના ગઠબંધન પર પુનર્વિચાર કરીશું.
એનપીપીને ભાજપ સાથેના તેના સમીકરણો પર ફરીથી વિચાર કરવાની ફરજ પડશે. આપણે મૂક પ્રેક્ષક બનીને રહી ના શકીએ. NPPની આ ધમકીએ ભાજપની ચિંતા વધારી દીધી છે.
NPPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વાય જોયકુમાર સિંહે કહ્યું હતું કે, મણિપુરમાં કલમ 355 લાગુ છે. એટલા માટે અહીંના લોકોની સુરક્ષા કરવાની જવાબદારી રાજ્ય અને કેન્દ્રની છે, પરંતુ હિંસાનો સામનો કરવા માટે કોઈ યોગ્ય આયોજન કરવામાં આવી રહ્યું નથી. હાલમાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થવાની આશા નથી. રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કથળી રહી છે. ટોળાએ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી રાજકુમાર રંજન સિંહના ઘર પર હુમલો કર્યો હતો. તેમના ઘરને લઈને લોકો રોષે ભરાયેલા છે. આજે આર.કે.રંજનને નિશાન બનાવાયા છે, આવતીકાલે ભાજપના તમામ ધારાસભ્યો, મંત્રીઓ અને પછી સાથી પક્ષોને નિશાન બનાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત છતાં પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. પાર્ટીની વિશ્વસનીયતા દાવ પર છે. લોકો સવાલો કરી રહ્યા છે. મણિપુરમાં હવે બેવડા નિયંત્રણ છે. રાજ્યમાં એ વાતને લઈને ભ્રમની સ્થિતિ છે કે, અહીં કોનું નિયંત્રણ છે, રાજ્ય કે કેન્દ્ર સરકારનું? તે પણ સ્પષ્ટ હોવું જોઈએ કે પ્રભારી કોણ છે, નહીં તો પરિસ્થિતિમાં સુધરો થશે નહીં.
તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે મુખ્યમંત્રીને અમારું મેમોરેન્ડમ સુપરત કર્યું છે કે શું પગલાં લેવાની જરૂર છે. આ બાબતને શરૂઆતમાં જ સારી રીતે હેન્ડલ કરવી જોઈતી હતી. પ્રતિક્રિયાત્મક બનવાને બદલે સુરક્ષા દળોએ સક્રિય થવાની જરૂર છે. યોગ્ય આયોજન કરવાની જરૂર છે. અમે ગઠબંધનમાં રહેવું કે વિપક્ષ સાથે જવું તે અંગે વિચારણા કરીશું. તેમણે કહ્યું હ્તું કે, સરકારે સંવેદનશીલ વિસ્તારો પર વધુ ધ્યાન આપવું જોઈતું હતું. દળોની કોઈ કમી નથી, તેમ છતાં હાઈવે ખોલવા માટે કોઈ પગલાં લેવાઈ રહ્યા નથી. શાંતિ સમિતિ બાળક જેવી છે. નામાંકિત સભ્યોનું કહેવું છે કે, તેઓ સમિતિનો ભાગ બનવા માંગતા નથી. શાંતિ સમિતિમાં કુલ 51 લોકો હતા, જે ઘણી મોટી સંખ્યા છે.
મણિપુરમાં ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી
મણિપુર વિધાનસભા ચૂંટણીમાં 60 બેઠકોમાંથી ભાજપ પાસે 32 બેઠકો છે. અહીં ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી છે. જોકે તેનું નેશનલ પીપલ્સ પાર્ટી, નાગા પીપલ્સ ફ્રન્ટ (NNP) સાથે ગઠબંધન છે. NPP પાસે સાત અને નાગા પીપલ્સ ફ્રન્ટ પાસે પાંચ બેઠકો છે. જ્યારે કોંગ્રેસે પાંચ બેઠકો, કુકી પીપલ્સ એલાયન્સ બે બેઠકો અને જનતા દળ (યુનાઇટેડ) છ બેઠકો પર કબજો જમાવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ છે.