મોબાઈલમાં મશગૂલ નર્સે મહિલાને એક સાથે કોરોનાની બે રસી આપી દીધી અને પછી....
કાનપુરના ગ્રામીણ મડૌલી પીએચસી ખાતે કોરોના વેક્સિન અપાઈ રહી છે. વેક્સિન લેવા પહોંચેલી કમલેશ દેવી નામની એક મહિલાને એક જ સાથે બે વખત વેક્સિન આપી દેવાઈ હતી.
કાનપુરઃ સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર છે ત્યારે સરાકર તેને અટકાવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. જ્યાં હજારો લોકોના આ મહામારીને કારણે જીવ ગયા છે ત્યારે તેના પર અંકુશ લાવવા માટે કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર સાવચેત રહેવાની લોકોને અપી કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ હવે બેદરકારી સ્વાસ્થ્ય વિભાગ તરફથી જ હોય તો તમે શું કરો ? કાનપુરમાં એક નર્સે પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં મોબાઈલમાં વાત કરતાં કરતાં એક મહિલાને એક જ સમયે બે વખત કોરોના રસીના ડોઝ આપી દીધા.
કાનપુરના ગ્રામીણ મડૌલી પીએચસી ખાતે કોરોના વેક્સિન અપાઈ રહી છે. વેક્સિન લેવા પહોંચેલી કમલેશ દેવી નામની એક મહિલાને એક જ સાથે બે વખત વેક્સિન આપી દેવાઈ હતી. મહિલા તેના પર ગુસ્સે થઈ એટલે તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. જો કે, મહિલાના પરિવારજનોને આની જાણ થતાં જ તેમણે હંગામો મચાવી દીધો હતો.
કમલેશ દેવીના કહેવા પ્રમાણે એએનએમ ફોનમાં વાત કરવામાં ખૂબ જ મશગૂલ હતી. વેક્સિન બાદ તેઓ ત્યાં બેસી રહ્યા હતા અને તેણે તેમને જવા પણ નહોતુ કહ્યું. બાદમાં વાત કરતા કરતા તે એક વખત વેક્સિન અપાઈ ચુકી છે તે ભૂલી ગઈ અને બીજી વખત પણ વેક્સિન આપી દીધી હતી. મહિલાએ જ્યારે શું બે વખત વેક્સિન આપવામાં આવે છે તેવો સવાલ કર્યો ત્યારે નર્સને પોતાની ભૂલની જાણ થઈ હતી. પરંતુ તેણે સામે ગુસ્સો કરીને તમે વેક્સિન લગાવાયા બાદ જતા કેમ ન રહ્યા તેમ કહી ઝગડો કર્યો હતો.
સ્વાસ્થ્ય વિભાગની આ મોટી બેદરકારી કમલેશ દેવીનો જીવ પણ લઈ શકતી હતી, પરંતુ તેનાથી સ્વાસ્થ્ય વિભાગને કોઈ જ ફેર પડ્યો નથી અને તેઓ એમ જ વર્તી રહ્યા છે જાણે કંઈ થયું જ નથી. આ મામલે જ્યારે જિલ્લાના મેડિકલ ઓફિસર સથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો તેમણે મીડિયાને કંઈ પણ કહેવાની ના પાડી દીધી અને સરકાર તરફથી કંઈપણ ન બોલવાનું કહીને ફોન કાપી નાખ્યો હતો.