ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોએ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જવા બદલ ચાર્જ ચૂકવવો પડશે.

ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોએ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જવા બદલ ચાર્જ ચૂકવવો પડશે. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના સાંસદ વેમિરેડ્ડી પ્રભાકર રેડ્ડી દ્વારા પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં રેલવે મંત્રી વૈષ્ણવે આ વાત કહી હતી. રેડ્ડી જાણવા માંગતા હતા કે શું રેલવે એરપોર્ટ પર અપનાવવામાં આવેલા નિયમો જેવા જ ટ્રેન મુસાફરો માટે સામાનના નિયમો લાગુ કરશે.
વૈષ્ણવે કહ્યું હતું કે, "હાલમાં, મુસાફરો દ્ધારા કોચની અંદર કેટલો સામાન લઈ જઈ શકાય છે તેની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે." રેલવે મંત્રી દ્વારા તેમના લેખિત જવાબમાં શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, સેકન્ડ ક્લાસના મુસાફરોને 35 કિલો સુધીનો સામાન મફતમાં અને 70 કિલો સુધીનો સામાન ફી આપીને લઈ જવાની મંજૂરી છે.
સ્લીપર ક્લાસના મુસાફરોને 40 કિલો સુધીનો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી છે, જેની મહત્તમ મર્યાદા 80 કિલો છે. મંત્રી દ્વારા ગૃહને આપવામાં આવેલી માહિતી અનુસાર, એસી થ્રી ટાયર અથવા ચેર કારમાં મુસાફરી કરતા મુસાફરોને 40 કિલો સુધીનો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી છે, જે મહત્તમ મર્યાદા પણ છે.
ફર્સ્ટ ક્લાસ અને એસી ટુ ટાયર મુસાફરોને 40 કિલો સુધીનો મફત સામાન લઈ જવાની મંજૂરી છે, જેમાં મહત્તમ મર્યાદા 100 કિલો છે. ફર્સ્ટ ક્લાસ એસી મુસાફરો 70 કિલો સુધીનો મફત સામાન લઈ જઈ શકે છે, જ્યારે 150 કિલો સુધીનો સામાન ફી ચૂકવીને લઈ જઈ શકાય છે. વૈષ્ણવના મતે, 100 સેમી લાંબા, 60 સેમી પહોળા અને 25 સેમી ઊંચા બાહ્ય માપવાળા ટ્રંક, સુટકેસ અને બોક્સને પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં વ્યક્તિગત સામાન તરીકે મંજૂરી છે. મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે "જો ટ્રંક, સુટકેસ અને બોક્સ, જેના બાહ્ય પરિમાણો કોઈપણ રીતે વધુ હોય તો આવી વસ્તુઓને પેસેન્જર કોચમાં નહીં, પણ બ્રેક વાન (SLR)/પાર્સલ વાન દ્વારા બુક કરાવી અને લઈ જવી પડશે". તેમણે કહ્યું હતું કે કોચમાં કોમર્શિયલ માલનું બુકિંગ અને પરિવહન વ્યક્તિગત સામાન તરીકે કરવાની મંજૂરી નથી.
આનો અર્થ એ થયો કે આ સમયે મુસાફરો માટે સામાનના પરવાનગી આપેલા વજનમાં કોઈ વધારો કે ઘટાડો થશે નહીં. સામાન અંગેના હાલના રેલવેના નિયમો અમલમાં રહેશે.





















