કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈને થયેલા વિવાદ વચ્ચે PM મોદીએ આપ્યુ મોટું નિવેદન, જાણો શું કહ્યુ
કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે. આ પહેલાં ફિલ્મના પાત્રો શનિવારે પીએમ મોદીને મળ્યા હતા.
કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ મંગળવારે કહ્યું કે, સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પીએમ મોદીએ બીજેપી સંસદીય દળની બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ ખીણમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત અને તેમના પર થતા અત્યાચાર પર આધારિત છે. આ ફિલ્મ 11 માર્ચે સિનેમાઘરોમાં આવી હતી. આ ફિલ્મ 1990ના દાયકાની સાચી ઘટનાઓ અને તથ્યોના આધારે બનાવવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે અને આ ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં લોકો થિયેટરોમાં પહોંચી રહ્યા છે.
ફિલ્મના પાત્રો શનિવારે પીએમ મોદીને મળ્યા હતાઃ
આ પહેલા શનિવારે દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી, તેમની પત્ની અને અભિનેત્રી પલ્લવી જોશી અને ફિલ્મના નિર્માતા અભિષેક અગ્રવાલે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. અભિષેકે કહ્યું કે, પીએમએ તેમની ફિલ્મની પ્રશંસા કરી. ફિલ્મ વિશ્લેષક તરણ આદર્શે ટ્વિટર પર મીટિંગની તસવીર શેર કરી હતી. ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં અનુપમ ખેર, દર્શન કુમાર અને મિથુન ચક્રવર્તી સહિતના સ્ટાર્સે કામ કર્યું છે.
આ ફિલ્મને લઈને રાજકીય વિવાદ શરૂ થયોઃ
આ ફિલ્મને લઈને રાજકીય વિવાદ પણ શરૂ થઈ ગયો છે. કેરળ કોંગ્રેસ દ્વારા શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને વિવાદ શરૂ થયો હતો. કેરળ કોંગ્રેસનો દાવો છે કે 1990 થી 2007 વચ્ચેના 17 વર્ષોમાં આતંકવાદી હુમલામાં કાશ્મીરી પંડિતો કરતાં વધુ મુસ્લિમો માર્યા ગયા હતા. કેરળ કોંગ્રેસે એમ પણ કહ્યું કે જ્યારે ખીણમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત શરૂ થઈ ત્યારે જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ જગમોહન હતા અને તેઓ RSSના માણસ હતા.
ભાજપે કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યોઃ
કેરળ કોંગ્રેસનું એમ પણ કહેવું છે કે, તે સમયે કેન્દ્રમાં વીપી સિંહની સરકાર હતી, જેને ભારતીય જનતા પાર્ટી (BJP)નું સમર્થન હતું. કોંગ્રેસના આ દાવા પર ભાજપે વળતો પ્રહાર કર્યો. ભાજપે કહ્યું કે, આ ફિલ્મ દ્વારા કોંગ્રેસનો અસલી ચહેરો સામે આવ્યો છે. સિંહે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષની ટુકડે ટુકડે ગેંગમાં ખળભળાટ મચી ગયો છે, તુષ્ટિકરણની રાજનીતિના કારણે દેશને વેચવા-ગીરવે રાખવાના કાવતરાનો પડદો ધીમે ધીમે ખુલી રહ્યો છે.