આર.પ્રિયા બની દેશની સૌથી નાની વયની મેયર, આ શહેરની પહેલી અનુસૂચિત મહિલાનો તાજ પણ તેના શિરે
Tamil Nadu : કાઉન્સિલર આર.પ્રિયાએ ચેન્નાઈ કોર્પોરેશનના મેયર તરીકે શપથ લીધા છે.
Tamil Nadu : તમિલનાડુની રાજધાની ચેન્નઈને શુક્રવારે 4 માર્ચે નવા મેયર મળ્યાં. 29 વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ અને મંગલપુરમના કાઉન્સિલર આર.પ્રિયાએ ચેન્નાઈ કોર્પોરેશનના મેયર તરીકે શપથ લીધા છે. આર.પ્રિયા દેશમાં સૌથી નાની વયના મેયર બન્યા છે. જાન્યુઆરી 2022માં રાજ્ય સરકારે ચેન્નાઈ કોર્પોરેશનના મેયરનું પદ અનુસૂચિત મહિલાઓ માટે અનામત રાખવાનો આદેશ પસાર કર્યા પછી તે ચેન્નાઈ કોર્પોરેશનના પ્રથમ અનુસૂચિત મેયર બન્યા. ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશન (ચેન્નાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના મેયરપદ અંગે સૌથી વધુ ચર્ચા થઈ રહી હતી. આર.પ્રિયા અહીં ચૂંટાયેલી પ્રથમ અનુસૂચિત મહિલા મેયર છે અને તે ચેન્નાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં મેયર તરીકે ચૂંટાયેલી સૌથી યુવા વ્યક્તિ છે. પ્રિયા વોર્ડ 74 થીરુવીકા નગરથી કાઉન્સિલર બન્યા છે.
જાણો ચેન્નાઈની બીજી મહિલા મેયર પ્રિયા વિશે
પ્રિયા મદ્રાસ યુનિવર્સિટીમાંથી M.Com ગ્રેજ્યુએટ છે. તે 2016 બેચની વિદ્યાર્થીની છે. તે 18 વર્ષની ઉંમરથી દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ની કાર્યકર્તા છે. મેયર પદ સંભાળનાર તે પ્રથમ અનુસચિત મહિલા હશે. તેમજ તે ચેન્નાઈની બીજી મહિલા મેયર હશે. આ પહેલા કામાક્ષી જયરામન 1971 થી 1972 સુધી મેયર રહી ચુક્યા છે. પ્રિયા પેરામ્બુરના ભૂતપૂર્વ ધારાસભ્ય ચેંગાઈ શિવમની પૌત્રી પણ છે.
રેસમાં બીજા ઘણા નામો હતા
ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશનના મેયર પદની રેસમાં અનેક નામો હતા. પ્રિયાની સાથે શ્રીધાની સી, નંધિની અને એસ અમુધા પ્રિયાનું નામ પણ આગળ હતું. આ બધાને હરાવીને પ્રિયા મેયર બનવામાં સફળ રહી. સીએમ એમકે સ્ટાલિને તેમના નામ પર મહોર લગાવી છે.
ડેપ્યુટી મેયર પદ માટે 20 નામો!
ડીએમકેએ ડેપ્યુટી મેયર પદ માટે મહેશ કુમારના નામની જાહેરાત કરી છે. પાર્ટીની અખબારી યાદી મુજબ મેયર પદ માટે કુલ 20 નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 9 પુરુષ અને 11 મહિલા છે. જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે 15 નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં 10 પુરૂષ અને 5 મહિલા છે.