Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
FIR against Rahul Gandhi: કોંગ્રેસ આ બંને બાબતોને લઈને દેશભરના તમામ જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કરશે
FIR against Rahul Gandhi: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન અને સંસદમાં ધક્કામુક્કી મામલે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામેના કેસને કારણે કોંગ્રેસ આક્રમક બની છે. હવે શુક્રવારે કોંગ્રેસ આ બંને બાબતોને લઈને દેશભરના તમામ જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કરશે. નોંધનીય છે કે સંસદમાં ધક્કામુક્કી મામલામાં બીજેપી સાંસદે રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.
Delhi Police file FIR against Rahul Gandhi on complaint over Parliament scuffle
— ANI Digital (@ani_digital) December 19, 2024
Read @ANI Story | https://t.co/Fsi5liSaSc#RahulGandhi #FIR #Parliament pic.twitter.com/IdTqM6MBm1
વાસ્તવમાં સંસદની અંદર બીજેપીના બે સાંસદોને ઈજા પહોંચાડવાના સંબંધમાં રાહુલ ગાંધી વિરુદ્ધ BNSની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રાહુલ ગાંધી સામે પોલીસને કરેલી ફરિયાદમાં અનુરાગ ઠાકુર અને બાંસુરી સ્વરાજ સહિત NDAના ત્રણ સાંસદોએ સંસદમાં ધક્કામુક્કી દરમિયાન શારીરિક હુમલો અને ઉશ્કેરણીમાં સામેલ હોવાનો આરોપ મુક્યો છે.
રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધાઈ
દિલ્હી પોલીસે ગુરુવારે સંસદ પરિસરમાં થયેલી ધક્કામુક્કીના સંબંધમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી છે. અગાઉના દિવસે ભાજપે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં સંસદ સંકુલમાં ઝપાઝપી દરમિયાન શારીરિક હુમલો અને ઉશ્કેરણીનો આરોપ મૂક્યો હતો. આ સાથે ભાજપે રાહુલ ગાંધી પર હત્યાના પ્રયાસ અને અન્ય આરોપો હેઠળ આરોપ લગાવવાની માંગ કરી હતી.
આ કલમો હેઠળ કેસ નોંધાયેલ છે.
ભાજપના નેતાઓ અનુરાગ ઠાકુર, બાંસુરી સ્વરાજ અને હેમાંગ જોશી સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને ફરિયાદ કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 117 (સ્વૈચ્છિક રીતે ગંભીર ઈજા પહોંચાડવી), 115 (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી), 125 (બીજાના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકવી) કલમ 131 (ગુનાહિત બળ પ્રયોગ), 351 (ગુનાહિત ધમકી) અને 3(5) (સામાન્ય હેતુ) હેઠળ FIR નોંધવામાં આવી હતી.
પોલીસ રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે
અધિકારીએ કહ્યું કે પોલીસ આ કેસના સંબંધમાં રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવી શકે છે. પોલીસ લોકસભા સચિવાલયને ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ આપવા વિનંતી કરશે. અન્ય એક અધિકારીએ કહ્યું કે, કલમ 117 સિવાય રાહુલ ગાંધી સામે લગાવવામાં આવેલી તમામ કલમો જામીનપાત્ર છે. કલમ 117 હેઠળની સજા ઈજાની ગંભીરતા પર આધાર રાખે છે, જે સાત વર્ષથી આજીવન કેદ સુધીની હોઈ શકે છે.
નોંધનીય છે કે બીઆર આંબેડકરના કથિત અપમાનને લઈને ગુરુવારે સત્તાધારી પક્ષ અને વિપક્ષના સભ્યો સંસદભવનના મકર ગેટ પાસે સામસામે આવી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન વિપક્ષ અને એનડીએ સાંસદો વચ્ચે ધક્કામુક્કીમાં પૂર્વ મંત્રી પ્રતાપચંદ્ર સારંગી અને લોકસભાના સભ્ય મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા.
રાહુલ ગાંધી પર આરોપ
રાહુલ ગાંધી પર શારીરિક હુમલો અને ઉશ્કેરણીમાં સામેલ હોવાનો આરોપ લગાવીને ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કોંગ્રેસે આ દાવાને ફગાવી દીધો અને આરોપ લગાવ્યો કે ભાજપના સાંસદોએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ધક્કો માર્યો અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે ઝપાઝપી કરી હતી.