Weather Update: ઉત્તર ભારતમાં વરસાદનું એલર્ટ, દિલ્હીમાં ફરીથી આવશે હીટવેવ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
India Weather: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 4 જૂન સુધી વાતાવરણ ખુશનુમા રહેશે, જ્યારે બિહાર, ઝારખંડ, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળશે.
India Weather Update: દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે, જેના કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 4 જૂન સુધી વાતાવરણ ખુશનુમા રહેશે, જ્યારે બિહાર, ઝારખંડ, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળશે.
બુધવારે (31 મે) વહેલી સવારે દિલ્હીના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગે સમગ્ર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMDએ કહ્યું કે, આગામી થોડા કલાકોમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં હળવાથી મધ્યમ તીવ્રતાના વરસાદની સંભાવના છે. IMD અનુસાર, "આગામી કેટલાક કલાકોમાં બરૌત, બાગપત (યુપી), પિલાની, ભીવાડી, તિજારા અને ખૈરથલ (રાજસ્થાન)માં પણ હળવાથી મધ્યમ વરસાદ થશે."
ઉત્તર ભારતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા - IMD
IMDએ કહ્યું કે જૂન મહિનામાં સમગ્ર ભારતમાં વરસાદ 'સામાન્ય કરતાં ઓછો' સ્તરે રહેશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા જેવા રાજ્યો તેમજ ઉત્તર ભારતના મોટા ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે.
પર્વતીય રાજ્યોમાં હવામાનની સ્થિતિ
ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં મંગળવારે ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા હતા. આજના હવામાનની વાત કરીએ તો IMD મુજબ આજે રાજ્યમાં મહત્તમ તાપમાન 18 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી નોંધાય શકે છે. આ સાથે આજે અનેક વિસ્તારોમાં વાદળો ગર્જના સાથે વરસાદ જોવા મળશે. આ સિવાય હિમાચલમાં પણ હવામાન આવું જ છે. રાજ્યમાં 5 જૂન સુધી વાતાવરણ ખુશનુમા રહેશે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સાથે લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સુધી નોંધાય શકે છે. જ્યારે મહત્તમ તાપમાન 14 ડિગ્રી સુધી જશે.
ગુજરાતમાં આજે આ વિસ્તારમાં પવન સાથે વરસાદની આગાહી
વિધિવત ચોમાસું શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. આવી સ્થિતિમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બનન્સના કારણે રાજ્યમાં પ્રિમોનસૂન એક્ટીવિટી શરૂ થઇ ગઇ છે. હાલ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાના 2 કારણો છે. હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ આ બંને સિસ્ટમના કારણે ગુજરાતમાં હાલ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત,કચ્છ, સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે, પાટણ મહેસાણા, સાબરકાંઠા, બનાસકાઠા, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, રાજરકોટ, બોટાદ,દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ,ભરૂચ,આ તમામ વિસ્તારમાં 1 જૂન સુધી વરસાદની શક્યતા જોવા મળી રહી છે.