Sikh : ખાલિસ્તાનીઓના ગાલ પર શીખ સમુદાયનો સણસણતો તમાચો, લંડનનો બદલો દિલ્હીમાં
લંડનમાં ભારતીય હાઈ કમિશન ઓફિસની બહાર ખાલિસ્તાની સમર્થકોએ ત્રિરંગા ધ્વજને અપમાનિત કર્યા બાદ દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લંડનમાં ભારતીય હાઈ કમિશન ઓફિસની બહાર ખાલિસ્તાની સમર્થકોએ ત્રિરંગા ધ્વજને અપમાનિત કર્યા બાદ દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ આકરૂ વલણ અપનાવતા ભારતીય વિદેશ મંત્રાલયે બ્રિટિશ હાઈકમિશનરને સમન્સ પાઠવીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. તો બીજી તરફ આજે દિલ્હીમાં શીખ સમુદાયના લોકોએ જ ખાલિસ્તાની વિચારધારા ધરાવનારાઓના ગાલ પર સણસણતો તમાચો ઝિંક્યો છે.
આજે મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકોએ બ્રિટિશ હાઈ કમિશનની બહાર જોરદાર પ્રદર્શન કર્યું હતું. શીખ સમુદાયના લોકોએ હાથમાં ત્રિરંગા ધ્વજ લઈને 'ભારત કી માતા કી જય'ના નારા પણ લગાવ્યા હતા. આ દરમિયાન કેટલાક શીખ લોકોએ પણ બ્રિટિશ હાઈ કમિશનની અંદર જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને જવા દેવામાં આવ્યા ન હતા. ખાલિસ્તાની સમર્થકોની આ ઘટનાને કારણે શીખ સમુદાયમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હાથમાં ત્રિરંગો, જીભ પર ભારત માતા કી જય
ગઈ કાલે રવિવારે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાનીઓએ જે કર્યું તે અત્યંત જધન્ય કહી શકાય તેવુ કૃત્ય હતું. ખાલિસ્તાનીઓને તેમની આ હરકતનો જવાબ આપવા માટે આજે મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકોએ રાજધાની દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનની ઓફિસ બહાર જોરદાર પ્રદર્શન કર્યું હતું. હાથમાં ત્રિરંગો અને જીભ પર "ભારત માતા કી જય'ના નારાઓએ દેખાડી દીધું હતું કે, આ પ્રદર્શન ખાલિસ્તાનીઓ દ્વારા કરવામાં આવેલા શરમજનક કૃત્યનો સણસણતો જવાબ છે. જ્યારે શીખ સમુદાયના કેટલાક સભ્યોએ બ્રિટિશ હાઈ કમિશનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં ઉભેલી પોલીસે તેમને રોક્યા હતા. શીખ સમુદાયના લોકોએ કહ્યું- અમને રોકશો નહીં, અમને અંદર જવા દો. જોકે તેમને બહારથી જ અંદર ના જવા દેવામાં નહોતા આવ્યા.
અમારો ત્રિરંગો તમારા ખાલિસ્તાની ઝંડા કરતા ઊંચો
ઘટનાના એક દિવસ બાદ જે રીતે શીખ સમુદાયે તિરંગો લહેરાવીને ખાલિસ્તાનીઓની હરકતો સામે અવાજ ઉઠાવ્યો હતો તે ક્યાંકને ક્યાંક ખાલિસ્તાનીઓના ગાલ પર જોરદાર તમાચો હતો. લંડનમાં ભારતીય હાઈ કમિશન ઓફિસની બહાર ત્રિરંગા ધ્વજના અપમાનનો વીડિયો સૌકોઈએ જોયો હતો. તિરંગો ઝંડો ઉતારીને ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહના સમર્થનમાં નારા લગાવવામાં આવી રહ્યા હતા. પરંતુ બીજી તરફ આજે દિલ્હીમાં શીખ સમુદાયના લોકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા અને હાથમાં ત્રિરંગો ઝંડો લઈને આ ઘટનાનો વિરોધ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમારા તિરંગાની આન-બાન-શાન વિરૂદ્ધ કોઈ પણ હરકત કરવામાં આવશે તો અમે ચુપ નહીં બેસીએ. અમારો ત્રિરંગો ધ્વજ તમારા ખાલિસ્તાની ધ્વજ કરતા ઊંચો છે.
વિદેશ મંત્રાલય આકરા પાણીએ, કહ્યું- કડક પગલાં ભરો
ધ્વજનું અપમાન થયા બાદ ભારતના વિદેશ મંત્રાલયે તરત જ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ક્રિસ્ટીના સ્કોટને સમંસ પાઠવ્યું હતું અને તેમને કડક સ્વરમાં કહ્યું હતું કે, ગુનેગારો સામે કાર્યવાહી થવી જોઈએ. આ ઘટનામાં સામેલ એક વ્યક્તિની લંડનમાં ધરપકડ કરવામાં આવી ચુકી છે. ભારતના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, લંડનમાં ભારતીય હાઈ કમિશન પરિસરમાં ઘટના સમયે સુરક્ષા કર્મચારીઓ ગેરહાજર હતા. મંત્રાલયે આ ઘટનાને વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન પણ ગણાવ્યું છે. આ ઉપરાંત ધરપકડ કરાયેલા આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. ભારતે એમ પણ કહ્યું હતું કે, આવી ઘટના ફરી ન બને તેનું ધ્યાન રાખવું.