Sonali Phogat Case: લિક્વિડમાં ભેળવીને સોનાલી ફોગાટને આપવામાં આવ્યું હતું ડ્રગ્સ, પૂછપરછમાં જાણો શું થયો ખુલાસો
પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમે વિસેરા એફએસએલમાં મોકલી આપ્યા છે, રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલો સ્પષ્ટ થશે.
Sonali Phogat Death Case: ભાજપ નેતા સોનાલી ફોગાટના ડ્રિંકમાં તેના બે સાથીદારોએ પાર્ટી દરમિયાન નશીલો પદાર્થ ભેળવ્યો હતો. કદાચ આ કારણે ફોગાટનું મૃત્યુ થયું. આ બંને ફોગાટ હત્યા કેસમાં આરોપી છે. ગોવા પોલીસે (Goa Police)શુક્રવારે આ જાણકારી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે સોનાલી ફોગાટને આપવા માટે 1.5 ગ્રામ MDMA એક પ્રવાહીમાં ભેળવીને પાર્ટી માટે તૈયાર કરવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ જણાવ્યું છે કે પાર્ટી દરમિયાન સોનાલી ફોગાટને તે જ બોટલમાંથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમે વિસેરા એફએસએલમાં મોકલી આપ્યા છે, રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલો સ્પષ્ટ થશે. ગોવા પોલીસે સોનાલી ફોગાટના મૃત્યુના સંબંધમાં સુખવિંદર સિંહ અને તેના અંગત સહાયક સુધીર સાંગવાનની ધરપકડ કરી છે.
ક્લબની બહારથી ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું
સૂત્રોએ જણાવ્યું કે સુધીરે ક્લબની બહાર ડ્રગ્સ પેડલર પાસેથી MDMA ખરીદ્યું હતું. આ માટે અગાઉ ઓર્ડર આપવામાં આવ્યો હતો. પાર્ટીના થોડા સમય પહેલા ડ્રગ્સ પેડલર ક્લબની બહાર આવ્યો હતો અને તેણે સુધીરને આ ડ્રગ્સ આપ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંગવાને જણાવ્યું છે કે બે ડ્રગ્સ પેડલર બાઇક પર આવ્યા હતા અને કર્લિસની બહાર તેને ડ્રગ્સ આપ્યું હતું. પોલીસ તેના નિવેદનની ખરાઈ કરવા માટે કથિત ડ્રગ્સ સપ્લાયરની શોધમાં છે.
સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે
પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. ફૂટેજની તપાસમાં જાણવા મળ્યું કે સોનાલી ફોગાટને કોઈ અપ્રિય પદાર્થ આપવામાં આવ્યો હતો કારણ કે તે પહેલાના ફૂટેજમાં સામાન્ય રીતે ડાન્સ કરતી જોઈ શકાતી હતી. તમને જણાવી દઈએ કે હરિયાણાના હિસાર જિલ્લાની બીજેપી નેતા સોનાલી ફોગાટ 22 ઓગસ્ટના રોજ સાંગવાન અને સિંહ સાથે ગોવા ગઈ હતી અને અહીંની એક હોટલમાં રોકાઈ હતી.
પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી
23 ઓગસ્ટની સવારે ખરાબ તબિયતના કારણે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. ત્યારે તબીબોએ હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. સોનાલી ફોગાટ(Sonali Phogat) ના પરિવારજનોને શરૂઆતથી જ તેની હત્યાનો ડર હતો અને સીબીઆઈ (CBI)તપાસની માંગ કરી હતી.