'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
વાસ્તવિક કુંભ માઘ પૂર્ણિમાએ સમાપ્ત થયો, ગૌહત્યા રોકવા સરકારને 17 માર્ચ સુધીનું અલ્ટીમેટમ.

swami avimukteshwaranand statement: પ્રયાગરાજમાં ચાલી રહેલો વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક મેળો, મહાકુંભ, મહાશિવરાત્રીના અંતિમ સ્નાન સાથે સમાપ્ત થયો છે. પરંતુ જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કુંભ અંગે મોટો દાવો કરીને વિવાદ ઉભો કર્યો છે. તેમણે કહ્યું કે વાસ્તવિક મહાકુંભ તો માઘ પૂર્ણિમાએ જ પૂરો થઈ ગયો હતો અને હાલ જે ચાલી રહ્યું છે તે માત્ર 'સરકારી કુંભ' છે.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મહા કુંભ તો પૂર્ણિમાના દિવસે જ સમાપ્ત થઈ ગયો હતો, કારણ કે પરંપરાગત કુંભ માઘ મહિનામાં જ હોય છે. તમામ કલ્પવાસીઓ માઘ પૂર્ણિમાના દિવસે જ અહીંથી રવાના થઈ ગયા હતા. આ પછી જે કુંભ ચાલી રહ્યો છે, તે અલગ છે અને તેનું પરંપરાગત કુંભ જેટલું મહત્વ નથી. સરકાર દ્વારા આયોજિત કુંભનું વિશેષ ધાર્મિક મહત્વ હોતું નથી." તેમણે અગાઉ પણ મહાકુંભની વ્યવસ્થાઓ અને આયોજન પર સવાલો ઉઠાવ્યા હતા.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ગૌહત્યાના મુદ્દે પણ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે ગૌહત્યા રોકવાની માંગણી કરતા જણાવ્યું હતું કે, "અમે ગાયના ખાતર પર સરકારને 17 માર્ચ સુધીનો સમય આપ્યો છે. દેશના તમામ રાજકીય પક્ષો અને સરકારોએ એક સાથે બેસીને નક્કી કરવું જોઈએ કે તેઓ ગૌહત્યા બંધ કરવા માંગે છે કે આઝાદી પછીની જેમ જ તેને ચાલુ રાખવા માંગે છે. અમે 17 માર્ચ સુધી તમામ પક્ષોના અંતિમ નિર્ણયની રાહ જોઈશું."
ઉલ્લેખનીય છે કે, મેળા વહીવટીતંત્રના આંકડા અનુસાર, 13 જાન્યુઆરી, 2025 થી શરૂ થયેલા મહાકુંભમાં દેશ અને દુનિયાભરના 66.30 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. મહાકુંભના અંતિમ દિવસે પણ 1.53 કરોડથી વધુ લોકોએ ડૂબકી લગાવી હતી.
નોંધનીય છે કે, વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને આધ્યાત્મિક મેળાવડા મહાકુંભમાં 45 દિવસમાં 66.30 કરોડ ભક્તોએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી હતી. મેળા વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, બુધવારે રાત્રે 8 વાગ્યા સુધી 1.53 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી હતી અને 13 જાન્યુઆરીથી બુધવારે રાત્રે 8 વાગ્યા સુધી સ્નાન કરનારા લોકોની સંખ્યા 66.30 કરોડ પર પહોંચી હતી. ભક્તોની આ સંખ્યા ચીન અને ભારત સિવાય અમેરિકા, રશિયા અને યુરોપિયન દેશો સહિત તમામ દેશોની વસ્તી કરતા વધુ છે.
આ પણ વાંચો....
ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો, આ દિગ્ગજ નેતા શિવસેના UBT માં જોડાશે



















