ABP Summit માં નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિને કેંદ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો
ચેન્નાઈમાં સોમવારે (25 નવેમ્બર) આયોજિત એબીપી સદર્ન રાઇઝિંગ સમિટમાં તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિન હાજરી આપી હતી.

ચેન્નાઈમાં સોમવારે (25 નવેમ્બર) આયોજિત એબીપી સદર્ન રાઇઝિંગ સમિટમાં તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિન હાજરી આપી હતી. તેમણે અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોઈમ્બતુર મેટ્રો પ્રોજેક્ટ પર સતત કામ કરી રહી છે અને જે કંઈ કહેવામાં આવી રહ્યું છે તે કોઈ સિદ્ધિ નથી પણ અમારી જવાબદારી છે. અમે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની અપેક્ષાઓ મુજબ અમારું કાર્ય કરી રહ્યા છીએ. તેમણે ફરીથી આમંત્રણ આપવા બદલ એબીપી નેટવર્કનો પણ આભાર માન્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉદયનિધિએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પોતાને "યૂનિયન સરકાર" ના રુપમાં સંબોધિત કરવાનો દાવો કરે છે, પરંતુ કોઈમ્બતુર મેટ્રો પ્રોજેક્ટ ફક્ત એટલા માટે મંજૂર કરવામાં આવ્યો ન હતો કારણ કે વસ્તી પૂરતી નહોતી. તેમણે એમ પણ કહ્યું કે તમિલનાડુના રાજ્યપાલે રાજ્યનું નામ બદલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વધતા વિરોધને કારણે તેમને પાછા હટવું પડ્યું.
ઉદયનિધિ સ્ટાલિને ભાજપ પર લગાવ્યો આરોપ
તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર તેના હાથમાં રહેલી બધી સત્તાઓને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ રાજકીય અને આર્થિક રીતે મજબૂત રાજ્યોને નબળા બનાવવાનું કામ કરી રહી છે. ઉદયનિધિએ કહ્યું કે દેશમાં ધીમે ધીમે સત્તા એક જગ્યાએ કેન્દ્રિત થઈ રહી છે, જેના કારણે રાજ્યોના અધિકારો નબળા પડી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે તમિલનાડુ અનેક મુદ્દાઓથી પરેશાન છે - જેમ કે કરનું ખોટી રીતે વિતરણ, ભંડોળ રોકવું, નવી શિક્ષણ નીતિ અને ભવિષ્યમાં થનારું સીમાંકન(delimitation).
સ્ટાલિને મોદી સરકાર પર નિશાન સાધ્યું
તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, "જો હિન્દી કે અન્ય કોઈ ભાષા લાદવાનો પ્રયાસ થશે, તો અમે વધુ એક ભાષા યુદ્ધ લડવાથી પાછા નહીં હટીએ. " તેમણે વધુમાં કહ્યું, "તમિલો ક્યારેય 3 ભાષાવાળા ફોર્મ્યુલા સ્વીકારશે નહીં. તમિલનાડુ હંમેશા તેની ભાષા અને સંસ્કૃતિના રક્ષણ માટે ઉભા રહેશે."
તમિલનાડુના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, "અમે એવા બંધારણીય સુધારા ઇચ્છીએ છીએ જે રાજ્યોને વધુ શક્તિ આપે જેથી ભારત રાજ્યોના મજબૂત સંઘ તરીકે કાર્ય કરી શકે."





















