શોધખોળ કરો
ગનગનયાન પરિયોજના માટે 10 હજાર કરોડની સરકારની મંજૂરી, ત્રણ ભારતીય 7 દિવસ અંતરિક્ષમાં રહેશે

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે ગગનયાન પરિયોજના માટે 10 હજાર કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી દીધી છે. આ મિશન અંતર્ગત 3 એસ્ટ્રોનોટની ટીમને 7 દિવસ સુધી અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ જાણકારી કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે આપી છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કેબિનેટ બેઠક બાદ મીડિયાને જણાવ્યું કે આ યોજનાને મંજૂરી મળ્યા બાદ આગામી 40 મહિનાની અંદર લોન્ચ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસ પર આ મિશનની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે 2022માં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભારત અંતરિક્ષમાં માનવ મિશનની સાથે ગગનયાન મોકલશે. આ પહેલા ઇસરોના ચેરમેન કે. સિવાને કહ્યું હતું કે, અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવા માટેની તકનીક તૈયાર થઈ ગઈ છે. આ દિશામાં માનવ ક્રૂ મૉડ્યૂલ અને પર્યાવરણ નિયંત્રણ તથા જીવ બચાવનારી પ્રણાલી જેવી ટેકનીક પણ વિકસિત કરવામાં આવી છે. સિવાને કહ્યું કે 2022માં ગગનયાનને રવાના કરનાર ઇસરો જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV Mark-III)નો ઉપયોગ કરતા બે માનવરહતિ મિશન અને યાનોને મોકલશે. ભારત આ ઉપલબ્ધિ હાંસલ કરનાર દુનિયાનો ચોથો દેશ હશે. આ પહેલાં 1984માં રાકેશ શર્મા અંતરિક્ષ યાત્રા કરનાર પહેલાં ભારતીય હતા. જ્યારે ભારતમાં જન્મેલી કલ્પના ચાવલા અને ભારતીય મૂળ સુનિતા વિલિયમ્સ પણ અંતરિક્ષમાં ગયા હતા.
વધુ વાંચો





















