Wrestlers Protest: ખેડૂત નેતાઓએ મનાવી લેતા પહેલવાનોએ મેડલ ગંગામાં ના પધરાવ્યા
અગાઉ દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કર્યા બાદ અને જંતર-મંતર ખાતે વિરોધ સ્થળ પરથી હટાવ્યા પછી કુસ્તીબાજોએ મંગળવારે કહ્યું હતું કે, તેઓ તેમના સખત મહેનતથી જીતેલા મેડલને ગંગા નદીમાં પધરાવી દેશે.
Wrestlers Immerse Medals: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજો મંગળવારે ગંગા નદીમાં પોતાના મેડલ વહેવડાવવા હરિદ્વાર પહોંચ્યા હતા. જોકે, ખેડૂત આગેવાનોએ તેમને સમજાવ્યા હતા. અગાઉ દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કર્યા બાદ અને જંતર-મંતર ખાતે વિરોધ સ્થળ પરથી હટાવ્યા પછી કુસ્તીબાજોએ મંગળવારે કહ્યું હતું કે, તેઓ તેમના સખત મહેનતથી જીતેલા મેડલને ગંગા નદીમાં પધરાવી દેશે અને ઈન્ડિયા ગેટ પર 'આમરણાંત ઉપવાસ' પર બેસશે.
રિયો ઓલિમ્પિક્સ 2016 બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકે તેના ટ્વિટર હેન્ડલ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કુસ્તીબાજો મંગળવારે સાંજે 6 વાગ્યે પવિત્ર નદીમાં મેડલ્સને પધરાવવા માટે હરિદ્વાર જશે. સાક્ષીએ નિવેદનમાં કહ્યું હતું કે, મેડલ અમારો જીવ છે, અમારો આત્મા છે. અમે તેમને ગંગામાં પધરાવવા જઈ રહ્યાં છીએ. મેડલ્સ ગંગામાં વહી ગયા બાદ અમારા જીવનનો પણ કોઈ અર્થ નહીં રહે, તેથી અમે ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ પર બેસીશું.તો રેસલર વિનેશ ફોગાટે પણ આ નિવેદન શેર કર્યું હતું.
શ્રી ગંગા સભાએ કર્યો વિરોધ
બીજી તરફ, શ્રી ગંગા સભાએ કુસ્તીબાજોના મેડલ ગંગામાં તરતા મુકવાનો વિરોધ કર્યો હતો. વિધાનસભાના સ્પીકર નીતિન ગૌતમે કહ્યું હતું કે, આ ગંગાનો વિસ્તાર છે, તેને રાજકારણનો અખાડો ન બનાવો. મેડલ રમતના અસ્થિ નથી. રમત અમર છે, પૂજા છે, સ્વાગત છે. ભગવાન તેમને સદબુદ્ધિ આપે. નીતિન ગૌતમે વધુમાં કહ્યું હતું કે, અમે મેડલનું વિસર્જન કરતા અટકાવીશું.
કોંગ્રેસે કરી હતી મેડલ ના પધરાવવાની અપીલ
આ સિવાય કોંગ્રેસે કુસ્તીબાજોને મેડલ ગંગામાં ન ફેંકવાની અપીલ કરી હતી. કોંગ્રેસના મહાનગર પ્રમુખ સતપાલ બ્રહ્મચારીએ કહ્યું હતું કે, તમારી મહેનત ગંગામાં વેડફશો નહીં, સંઘર્ષના બીજા રસ્તા પણ છે. જ્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૌતે કુસ્તીબાજોને તેમના મેડલ ગંગામાં ન ફેંકવાની અપીલ કરી હતી.
રવિવારે કુસ્તીબાજોની અટકાયત કરવામાં આવેલી
રવિવારે દિલ્હી પોલીસે વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ વિનર વિનેશ ફોગાટ અને અન્ય ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાની સાથે સાક્ષી મલિકની અટકાયત કરી હતી. બાદમાં તેમની સામે કાયદો અને વ્યવસ્થાના ભંગ બદલ FIR નોંધવામાં આવી હતી. હકીકતમાં, કુસ્તીબાજો અને તેમના સમર્થકોએ સુરક્ષા કોર્ડન તોડીને મહિલા 'મહાપંચાયત' માટે નવા સંસદ ભવન તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. કુસ્તીબાજોને સંસદની નવી ઇમારત તરફ આગળ વધવાની મંજૂરી આપવામાં આવી ન હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જ દિવસે તેનું ઉદ્ઘાટન કરવાના હતા અને જ્યારે પોલીસે કુસ્તીબાજો અને તેમના સમર્થકોને અટકાવ્યા ત્યારે તેમની વચ્ચે મારામારી થઈ હતી.
જંતર-મંતર પરથી કુસ્તીબાજોનો સામાન પણ હટાવી દેવામાં આવ્યો
વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અને તેમના સમર્થકોને રાષ્ટ્રીય રાજધાનીમાં વિવિધ સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા. કુસ્તીબાજોને બસોમાં બેસાડ્યા બાદ પોલીસ અધિકારીઓએ ધરણાં સ્થળ પર રહેલા પલંગ, ગાદલા, કુલર, પંખા અને તાડપત્રી અને અન્ય વસ્તુઓ દૂર કરી નાખે હતી. દિલ્હી પોલીસે કહ્યું હતું કે, તે કુસ્તીબાજોને વિરોધ સ્થળ પર પાછા આવવા નહીં દે.