ભારત માટે ‘કાળમુખું’ સાબિત થયું 2025 નું વર્ષ, મહાકુંભથી લઈને પ્લેન ક્રેશ સુધીની દુર્ઘટનાઓમાં હજારોએ ગુમાવ્યા જીવ
Year Ender 2025 India: ક્યાંક ઉત્સવ માતમમાં ફેરવાયો તો ક્યાંક મુસાફરી બની અંતિમ સફર, વાંચો હચમચાવી નાખનારી ઘટનાઓનું સરવૈયું.

Year Ender 2025 India: વર્ષ 2025 ભારતીય ઇતિહાસના પાનાઓ પર આંસુઓથી લખાયું છે. આ વર્ષે બનેલી હૃદયદ્રાવક ઘટનાઓએ હજારો હસતા-રમતા પરિવારોને વિખેરી નાખ્યા છે. પ્રયાગરાજના સંગમ તટથી લઈને કાશ્મીરની ખીણો અને અમદાવાદના આકાશ સુધી, મોતનું તાંડવ જોવા મળ્યું હતું. ક્યારેક ભીડની અવ્યવસ્થા તો ક્યારેક આતંકી હુમલા અને અકસ્માતોએ નિર્દોષ લોકોનો ભોગ લીધો છે. આ અહેવાલમાં આપણે એવા કાળા દિવસો પર નજર કરીશું જેણે દેશને શોકમાં ગરકાવ કરી દીધો હતો અને તંત્ર સામે ગંભીર સવાલો ઉભા કર્યા હતા.
મહાકુંભમાં શ્રદ્ધા પર ભારી પડી અવ્યવસ્થા
વર્ષની શરૂઆત જ એક મોટા આઘાત સાથે થઈ હતી. 29 જાન્યુઆરી, 2025 ના રોજ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન મૌની અમાવસ્યાના પવિત્ર સ્નાન વખતે દુર્ઘટના સર્જાઈ હતી. સંગમ તટ પર અચાનક ભીડ બેકાબૂ બનતા નાસભાગ મચી ગઈ હતી. આ અંધાધૂંધીમાં 30 થી વધુ શ્રદ્ધાળુઓ કચડાઈને મૃત્યુ પામ્યા હતા, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. પાછળથી આવેલા અહેવાલો મુજબ મૃત્યુઆંક આનાથી પણ વધુ હોવાનું મનાય છે. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી હતી.
દિલ્હી રેલવે સ્ટેશન પર અફવા બની યમરાજ
કુંભની ઘટનાના ઘા હજુ રૂઝાયા નહોતા ત્યાં 15 ફેબ્રુઆરી, 2025 ના રોજ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બીજી કરુણાંતિકા સર્જાઈ. પ્રયાગરાજ જતી ટ્રેનો માટે પ્લેટફોર્મ નંબર 14 અને 15 પર મુસાફરોની ભારે ભીડ હતી. તે સમયે ટ્રેન મોડી પડવાની અને પ્લેટફોર્મ બદલવાની અફવા ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો અને ભાગદોડ મચી ગઈ. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
કાશ્મીરના પહેલગામમાં કાયરતાપૂર્ણ આતંકી હુમલો
22 એપ્રિલ, 2025 નો દિવસ કાશ્મીર માટે લોહિયાળ સાબિત થયો. ધરતી પરના સ્વર્ગ ગણાતા પહેલગામમાં ફરવા ગયેલા નિર્દોષ પ્રવાસીઓને આતંકવાદીઓએ નિશાન બનાવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આતંકીઓએ ધર્મ પૂછીને લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 26 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ ભારતીય સેનાએ બદલો લેવા માટે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું.
IPL ની જીતનો જશ્ન માતમમાં ફેરવાયો
ક્રિકેટના મેદાનની બહાર પણ 2025 માં કરુણ ઘટના બની હતી. 4 જૂન, 2025 ના રોજ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની IPL જીતની ઉજવણી ચાલી રહી હતી. હજારો ચાહકોની ભીડને કાબૂ કરવામાં મેનેજમેન્ટ નિષ્ફળ રહ્યું અને સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ. આ ઘટનામાં 11 ક્રિકેટ પ્રેમીઓના મોત થયા હતા. 18 વર્ષ પછી મળેલી જીતની ખુશી ક્ષણભરમાં શોકમાં પલટાઈ ગઈ હતી.
મુંબઈ લોકલ અને આંધ્રપ્રદેશમાં પણ દુર્ઘટના
9 જૂન, 2025 ના રોજ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મુમ્બ્રા નજીક અતિશય ભીડને કારણે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકો ટ્રેનમાંથી પડી જતા મૃત્યુ પામ્યા હતા. તેવી જ રીતે, આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના વેંકટેશ્વર મંદિરમાં એકાદશીના પર્વે દર્શન કરવા ઉમટેલી ભીડમાં ભાગદોડ થતા 9 ભક્તોએ જીવ ગુમાવ્યા હતા.
અમદાવાદમાં હૃદયદ્રાવક પ્લેન ક્રેશ
વર્ષની સૌથી મોટી અને ભયાનક દુર્ઘટના 12 જૂન, 2025 ના રોજ ગુજરાતના અમદાવાદમાં બની હતી. એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન ટેકઓફ થયાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયું હતું. આ વિમાન એક મેડિકલ હોસ્ટેલ સાથે અથડાયું હતું. આ ગોઝારા અકસ્માતમાં વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી 241 ના મોત થયા હતા, ઉપરાંત જમીન પર રહેલા લોકો પણ તેનો ભોગ બન્યા હતા. આ ઘટના ભારતીય ઉડ્ડયન ઇતિહાસના સૌથી કાળા દિવસોમાં સ્થાન પામી છે.





















