Afghanistan : બકરી ઇદની નમાઝ વખતે રાષ્ટ્રપતિ ભવન પાસે રોકેટથી હુમલો, નુકસાન અંગે કોઈ જાણકારી નહીં
મંગળવારે સવારે કાબુલના રાષ્ટ્રપતિ ભવન પર થયેલા રોકેટ હુમલાથી બધા સ્તબ્ધ થઈ ગયા હતા. રાષ્ટ્રપતિ અશરફ ગની બકરીદની પ્રાર્થનામાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો.

અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં તાલિબાનોએ આતંકી હુમલો કર્યો હતો. બકરી ઈદની નમાજ વખતે થયેલા આ હુમલો રાષ્ટ્રપતિને નિશાન બનાવીને કરાવાયો હોવાની સંભાવના છે. રાષ્ટ્રપતિ ભવન પાસે રોકેટથી હુમલો કરાયો હતો. જોકે, નુકસાન અંગે કોઈ જાણકારી મળી નથી.
અફઘાનિસ્તાનથી અમેરિકન સૈન્ય પાછું ખેંચ્યા બાદ તાલિબાનનો આતંક વધતો રહ્યો છે. કાબુલ ફરી એકવાર વિસ્ફોટોના અવાજોથી હચમચી ઉઠ્યું છે. મંગળવારે સવારે કાબુલના રાષ્ટ્રપતિ ભવન પર થયેલા રોકેટ હુમલાથી બધા સ્તબ્ધ થઈ ગયા હતા. રાષ્ટ્રપતિ અશરફ ગની બકરીદની પ્રાર્થનામાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો.
સ્થાનિક સમય મુજબ સવારે આઠ વાગ્યે થયો હતો. હુમલાના સ્થળથી રાષ્ટ્રપતિ ભવન ખૂબ જ નજીક છે. આંતરિક મંત્રાલયે જણાવ્યું હતું કે, ઇદની શરૂઆત સમયે રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાષણ પહેલા રાજધાનીમાં ત્રણ રોકેટનો હુમલો થયો. આ હુમલો થયો ત્યાં રાષ્ટ્રપતિ મહેલ અને કેટલાય દૂતાવાસ આવેલા છે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા મીરવાઇસ સ્ટાનિકજઈએ કહ્યું કે, આજે અફઘાનિસ્તાનના દુશ્મનોએ કાબુલ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં રોકેટ હમલા કર્યા છે. ત્રણ રોકેટ હુમલા થયા હતા. અમારી પ્રાથમિક જાણકારી પ્રમાણે, કોઈ જાનહાનિ થઈ નથી. અમારી ટીમ તપાસ કરી રહી છે.
ઇદ પહેલા ઇરાકમાં થયો બ્લાસ્ટઃ 30ના મોત, 35 ઘાયલ
ઇરાકની રાજધાનીમાં મંગળવારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં 30 લોકોના મોત થયા છે. જ્યારે 35 લોકો ઘાયલ થયા છે. આ બોમ્બ બ્લાસ્ટની જવાબદારી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સમુહે લીધી છે. ટેલિગ્રામ ગ્રુપ પર પોતાનો મેસેજ મોકલતા ISએ જણાવ્યું કે અબૂ હમજા અલ નામના હુમલાખોરે સોમવારે બગદાદના શહેરમાં ભીડની વચ્ચે જઈને વિસ્ફોટ કર્યો. લોકો ઇદની ખરીદી કરી રહ્યા હતા ત્યારે જ બજારમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી.
નોંધનીય છે કે, ઈદના કારણે બજારમાં ભારે ભીડ હતી. ઈરાકના રાષ્ટ્રપતિ બરહમ સાલિહએ ગીચ વસ્તી ધરાવતા શિયા ઉપનગરમાં થયેલા બ્લાસ્ટને ગંભીર ગુનો ગણાવ્યો હતો અને પોતાની સંવેદના વ્યક્ત કરી. સૂત્રોમુજબ, મૃતકોમાં આઠ મહિલાઓ અને સાત બાળકો સામેલ છે.
વિસ્ફોટ પછી સોશિયલ મીડિયામાં શેર કરાયેલા વીડિયો ફુટેજમાં લોહીથી લથપથ પીડિત અને લોકો ડરીને બૂમો પાડતા દેખાઈ રહ્યાં છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે કેટલીક દુકાનોની છત પણ ફાટી ગઈ. ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કદીમીએ બજારના ક્ષેત્ર માટે જવાબદાર સંધીય પોલિસ રેજિમેન્ટના કમાન્ડરની ધરપકડનો આદેશ આપ્યો છે. નિવેદનમાં કહેવાયું છે કે તેની તપાસ કરાઇ રહી છે.
નોંધનીય છે કે, આ વર્ષે આ ત્રીજી વખત બજારમાં બ્લાસ્ટ થયો છે. ઈસ્લામિક સ્ટેટ આ પહેલા પણ બગદાદમાં ઘણા બ્લાસ્ટ કરી ચુક્યું છે. અગાઉ જાન્યુઆરીમાં ઈસ્લામિક સ્ટેટ સમુહે એક આત્મધાતી બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી. તેમાં 32 લોકોના મૃત્યુ થયા હતા. તે પણ બગદાદના બજારમાં થયો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
